Gujarat News : રાજ્યની અનેક સરકારી હૉસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવા ખાડે ગઈ છે. દાર્દીઓ અને તેમના સગાંઓને અનેક પ્રકારની હાલાકી પડે છે. યોગ્ય સમયે સારવાર મળતી ન હોવાની પણ ફરિયાદો અવાર નવાર ઉઠે છે. સરકારે મોટા ઉપાડે મા અને આયુષ્યમાન ભારત જેવા કાર્ડ બનાવ્યા છે, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં યોગ્ય સારવાર જ ન મળતી હોય તો આવા કાર્ડને શું કરવાના. આ બધા પાછળનું કારણ હૉસ્પિટલોમાં ડૉક્ટરો સહિતના સ્ટાફનો અભાવ છે. સાથે જ ખૂટતા સ્ટાફની ભરતી કરવામાં સરકારની ઉદાસીનતા પણ મોટું કારણ છે. આવો જોઈએ કેવી છે રાજ્યની ચાર મહત્ત્વની હૉસ્પિટલોમાં સ્ટાફની સ્થિતિ.
વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યએ પૂછેલા સવાલમાં સરકારે આપેલા જવાબથી સમગ્ર મુદ્દો ઉજાગર થયો છે. સરકારે આપેલા જવાબ પ્રમાણે કઈ હૉસ્પિટલમાં કેટલી જગ્યા ખાલી છે તેના પર નજર કરીએ તો.
મહત્ત્વની 4 હૉસ્પિટલોમાં ખાલી પડેલી જગ્યા
હવે આ ચાર હૉસ્પિટલોમાં મંજૂર મહેકમ સામે કેટલી જગ્યાઓ ખાલી છે તેની તુલના કરીએ તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
મંજૂર જગ્યાઓ સામે ખાલી પડેલી જગ્યા
આવી રીતે સ્વસ્થ રહેશે ગુજરાત?
એટલે કે રાજ્યની આ ફક્ત ચાર મહત્ત્વની હૉસ્પિટલોમાં જ 5,065 જગ્યાઓ ખાલી છે. તો રાજ્યની અન્ય સરકારી હૉસ્પિટલોની હાલત શું હશે તે સમજી શકાય છે. સરકાર જો આજ રીતે ફક્ત કોન્ટ્રાક્ટ પર કે ગોકળગતીએ ભરતી કરતી રહેશે તો રોજે રોજ આવી હૉસ્પિટલોમાં આવતા હજારો દર્દીઓની સારવાર કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.
સરકારનો હાસ્યાસ્પદ જવાબ
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને સવાલ પૂછયો હતો કે આ ખાલી પડેલી જગ્યા પર ભરતી ક્યારે કરાશે, તો સરકારે જવાબ આપ્યો છે કે, ‘ખાલી રહેલી જગ્યાઓ યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ભરવામાં આવશે’
સવાલ – ખાલી રહેલી જગ્યા ક્યાં સુધીમાં ભરવાનું આયોજન છે?
જવાબ – ખાલી રહેલી જગ્યાઓ યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ભરવામાં આવશે
આ તમામ વચ્ચે સવાલ થાય છે કે સરકારને યોગ્ય ઉમેદવારો કેવી રીતે નથી મળતા? ગાંધીનગર ખાતે વિવિધ વિભાગમાં ભરતીની માગ સાથે હજારો ઉમેદવારો અવારનવાર પહોંચે છે, અને તેમને ડિટેઈન કરવા માટે પોલીસને અનેક બસ મંગાવવી પડે છે. શું આમાથી સરકારને યોગ્ય ઉમેદવારો નહીં મળતા હોય.
ભરતી કેલેન્ડર નહીં ભરતી બહાર પાડો
ચોંકવનારી વાત તો એ છે કે આમાંની મોટાભાગની જગ્યાઓ તો છેલ્લા બેથી વધુ વર્ષથી ખાલી છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જ્યારે સવાલ પૂછાય ત્યારે ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું હોવાનો સરકારી જવાબ આપવામાં આવે છે. અને એ ભરતી કેલેન્ડર પણ 2024થી 2033નું છે. એટલે કે સરકાર 10 વર્ષમાં વિવિધ ભરતી કરશે તેવું કહે છે.
ભરતી માટે ચૂંટણીની રાહ જોવે છે સરકાર?
રાજ્યમાં જે તે ક્ષેત્રની ખાલી પડેલી જગ્યાઓ માટે હજારો લાખો ઉમેદવારો છે. અનેક ઉમેદવારો વર્ષોથી ભરતીની રાહ જોઈને બેઠા છે. કેટલાકની તો ઉંમરની યોગ્યતા પણ પૂર્ણ થઈ ગઈ પણ ભરતી બહાર ન પડી. ફક્ત આવા ભરતી કેલેન્ડર બહાર પાડવાથી સમસ્યાનો અંત નહી આવે. ચૂંટણી આવે ત્યાં સુધી રાહ જોયા વગર તાબડતોડ ભરતી કરવી પડે, તો જ સમસ્યાનું સામાધાન આવશે અને લોકોને આરોગ્ય સેવા અને સુખાકારી મળશે.