IND – PAK મેચની એક Click પર વાંચો યાદગાર 8 મોમેન્ટ્સ

By: nationgujarat
15 Oct, 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 12મી મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ટૉસ જીત્યા બાદ ભારતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 42.4 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 30.3 ઓવરમાં લક્ષ્યને ચેઝ કરીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

આ મેચમાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી. બોલિવૂડ સિંગર્સે મેચ પહેલાં પર્ફોર્મન્સ આપ્યું હતું. તો, પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ મેચ દરમિયાન હાજર હતા. મેચ બાદ વિરાટ કોહલીએ બાબર આઝમને ટીમ ઈન્ડિયાની જર્સી આપી. આ સમાચારમાં જાણો મેચની ટોચની મોમેન્ટ્સ…

1. વિરાટ અને સચિન ગળે મળ્યા
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને ગળે લગાવ્યા છે. મેચ શરૂ થાય તે પહેલાં સચિન ટ્રોફી આપવા માટે મેદાનમાં આવ્યા હતા. આ પછી સચિન અને વિરાટ એકબીજાને મળ્યા અને વાત કરી. બંને ફરી એકબીજાને ગળે મળ્યા હતા.

2. વિરાટ આકસ્મિક રીતે તિરંગાની જર્સી વગર જ ઊતર્યો
ભારતીય બેટર વિરાટ કોહલી આકસ્મિક રીતે સફેદ પટ્ટાવાળી જર્સી પહેરીને બહાર આવ્યો હતો. હકીકતમાં એડિડાસ ભારતીય ટીમની જર્સીમાં ખભા પર 3 સફેદ પટ્ટીઓ આપે છે. જોકે, વર્લ્ડ કપ માટે એડિડાસે તિરંગાના રંગમાં પટ્ટાઓવાળી તિરંગી જર્સી બનાવી છે. વિરાટે આકસ્મિક રીતે બીજી જર્સી પહેરી લીધી. બાદમાં તેણે તેને બદલી નાખી હતી.

3. હાર્દિકે મંત્ર જાપ કર્યા પછી બોલ ફેંક્યો અને ઈમામને સેન્ડઓફ આપ્યો
હાર્દિક પંડ્યાએ 13મી ઓવરના બીજા બોલ પર શોર્ટ પિચ ફેંક્યો, જેના પર ઈમામ-ઉલ-હકે ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પહેલાં હાર્દિકે બોલ હાથમાં લીધો અને બોલને કંઈક કહેતો જોવા મળ્યો, જેમ કે કોઈ મંત્રનો પાઠ કરતો હોય. ત્રીજો બોલ તેણે ઓફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ ફેંક્યો અને ઈમામ કેચઆઉટ થયો. વિકેટ લીધા બાદ હાર્દિકે ઈમામને પેવેલિયન જવાનો સંકેત આપ્યો હતો.

4. રિઝવાનને DRSએ બચાવ્યો
મોહમ્મદ રિઝવાન DRS લેવાને કારણે આઉટ થતા બચી ગયો હતો. રવીન્દ્ર જાડેજાએ 14મી ઓવરનો બીજો બોલ લેગ સ્ટમ્પ પર ફુલ લેન્થ પર ફેંક્યો, બોલ સીધો રિઝવાનના પેડ પર વાગ્યો. ભારતે અપીલ કરી અને અમ્પાયરે રિઝવાનને LBW જાહેર કર્યો. રિઝવાને DRS લીધું, રિપ્લેમાં દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પથી બહાર જઈ રહ્યો હતો. આ કારણથી રિઝવાન નોટઆઉટ રહ્યો હતો.

અસરઃ આનાથી રિઝવાનને ઇનિંગ્સને આગળ વધારવાનો મોકો મળ્યો અને તેણે બાબર સાથે 82 રનની મજબૂત ભાગીદારી કરી.

5. સિરાજે બાબરને બોલ્ડ કર્યો
30મી ઓવરના ચોથા બોલ પર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો હતો. સિરાજે બાબરને ક્રોસ સીમ બોલ ફેંક્યો. બાબર આ સમજી શક્યો નહીં અને બોલ્ડ થયો હતો.

અસર: સિરાજના બોલથી બાબરની અડધી સદીની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. રિઝવાન સાથે તેની 82 રનની ભાગીદારી પણ અટકી ગઈ હતી. આ પછી પાકિસ્તાનની ઇનિંગ સમેટાઈ ગઈ.

6. બુમરાહે રિઝવાન અને શાદાબને બોલ્ડ કર્યા
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાન અને શાદાબ ખાનને બેક ટુ બેક ક્લીન બોલ્ડ કર્યા હતા. મોહમ્મદ રિઝવાન 34મી ઓવરના છેલ્લા બોલ પર 49 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. બુમરાહે ધીમી ઓફ કટર બોલિંગ કરી. રિઝવાને ઝડપ સાથે માર્યો અને બોલ સીધો સ્ટમ્પ પર ગયો.

આ પછી બુમરાહે 36મી ઓવરના બીજા બોલની ઝડપ વધારી અને પછી આઉટ સ્વિંગર ફેંક્યો. શાદાબ બોલને સમજી શક્યો ન હતો અને બોલ્ડ થયો હતો.

અસરઃ બુમરાહ પહેલેથી જ સેટ બેટર રિઝવાન આઉટ થયો હતો, ત્યારબાદ શાદાબને પણ પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ટીમ આ આંચકામાંથી બહાર નીકળી શકી નહોતી અને 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

7. કોહલી રન આઉટ થતા બચ્યો, પરંતુ તેની આગલી જ ઓવરમાં આઉટ થઈ ગયો
વિરાટ કોહલી નવમી ઓવરમાં રનઆઉટ થવાથી બચી ગયો હતો, પરંતુ 10મી ઓવરમાં કેચ આઉટ થયો હતો. હારિસ રઉફે ફુલ ટોસ સાથે ઓવરનો ત્રીજો બોલ ફેંક્યો, રોહિત તેને રમ્યો, પરંતુ બોલ મિડ-ઓન ફિલ્ડરના હાથમાં ગયો. રોહિત રન કરવા માટે અડધી પિચ પર આવ્યો, પરંતુ કોહલી ક્રિઝમાં જ રહ્યો. રોહિતને પોતાની તરફ આવતો જોઈને કોહલીએ પણ રન લેવાનું શરૂ કર્યું, આ દરમિયાન ફિલ્ડર શાહીન આફ્રિદીએ સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો ફેંક્યો. કોહલીએ ડાઈવ લગાવી, પરંતુ આફ્રિદીનો થ્રો સ્ટમ્પ પર ન પડ્યો. જો થ્રો સ્ટમ્પને અડ્યો હોત તો વિરાટને પેવેલિયન પરત ફરવું પડ્યું હોત. વિરાટ તેને મળેલા જીવતદાનનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને પછીની જ ઓવરમાં કેચઆઉટ થયો હતો. હસન અલીએ તેને આઉટ કર્યો હતો.

8. વિરાટે બાબરને જર્સી આપી
મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારતીય બેટર વિરાટ કોહલીને મળ્યો હતો. આ દરમિયાન બાબરે વિરાટ પાસેથી જર્સી માગી હતી. વિરાટ કોહલીએ પોતાની ટીમ ઈન્ડિયાની જર્સીનો ઓટોગ્રાફ લઈને બાબરને આપી હતી. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. બંને સાથે હસતા જોવા મળ્યા હતા.


Related Posts

Load more