અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર ડિવાઇડર પર ચઢીને હવામાં ઉછળીને સામેની સાઈડ પર એક્ટિવા પર પડી હતી, જેમાં બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના નરોડા-દહેગામ રોડ પર ગત રાત્રે થઈ હતી.. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતાં કથળતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે.
કાર એટલી સ્પીડમાં હતી કે ડીવાઈડર કૂદી રોંગ સાઈડમાં જતી રહી હતી. તો બીજી તરફથી સામેથી આવી રહેલા એક્ટિવા સવાર બે યુવકોને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટનાર બન્ને યુવાનોની ઓળખ સામે આવી છે. જેમાં એકનું નામ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર ક્રેટા કારના ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. જે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. કારચાલકનું નામ ગોપાલ પટેલ અને તે નરોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના આંબલી-બોપલ રોડ પર વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જયો હતો.. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. કાર ચાલક નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો હતો.
ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
વૈભવી કાર લઇને રસ્તે નીકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હતો.