અમદાવાદ – ચાલુ કારે ખેંચ આવતા 6 લોકોને ઉડાવ્યા, યુવતીનું મોત:

By: Nation Gujarat Team
23 Jun, 2026

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ગરીબનગર પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક બેકાબૂ બનેલી કારના ચાલકે રસ્તા પર પસાર થઈ રહેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 થી 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગી રહ્યું છે કે, અકસ્માત સમયે કાર ચાલકને અચાનક આંચકી અથવા હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે વાહન પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે, એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે અને 6 થી 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા મૃતકના પરિવારે અને સ્થાનિકોએ અકસ્માત સર્જનાર કાર તેમજ કાર ચાલકને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી લીધી છે.

મળથી માહિતી મુજબ, પોલીસ હવે એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે કે કાર ચાલક ક્યાંથી આવી રહ્યો હતો અને તેણે ક્યાં જવાનું હતું. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Related Posts

Load more