
અમદાવાદ ના મણિનગર વિસ્તારમાં આવેલા
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ખાતે આજે લાભ પાંચમના શુભ દિવસે પરંપરા અને આધુનિકતાના સુંદર સમન્વય સાથે વિશેષ પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં વેપારીઓના પરંપરાગત હિસાબી ચોપડાની સાથે આજના ડિજિટલ યુગના સાધનો જેવા કે લેપટોપ, આઈપેડ અને પવિત્ર શાસ્ત્રોનું પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ લાભ પાંચમનું આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “લાભ પાંચમને શાસ્ત્રોમાં ‘જ્ઞાન પાંચમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપાર-ધંધામાં આર્થિક પ્રગતિ અને બરકત માટે ચોપડા કે લેપટોપમાં ‘શુભ-લાભ’ લખવું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી આપણા જીવનના ચોપડાને પણ શુભ કર્મોથી ભરવાનું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ જીવનમાં વ્યક્તિને આર્થિક સમૃદ્ધિની સાથે માનસિક શાંતિની પણ એટલી જ આવશ્યકતા છે. જો દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને ભગવાનનું સ્મરણ, સત્સંગ અને સદગુણોનું સિંચન કરે તેમજ વ્યસનોથી દૂર રહે, તો જ સાચા અર્થમાં જીવનમાં ‘શુભ’ અને ‘લાભ’ પ્રાપ્ત થાય છે.
અંતમાં, કુમકુમ મંદિરના સંતો દ્વારા સમગ્ર વેપારી વર્ગ અને નાગરિકોનું નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ, નિરોગી અને આધ્યાત્મિક રીતે કલ્યાણકારી નીવડે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
– સાધુ પ્રેમ વત્સલદાસજી કુમકુમ