રાષ્ટ્રીય એકતા દિવસ – 2026 : એકતાનગરમાં પહેલીવાર સાંજે આશરે 25000 લોકો ની વચ્ચે યોજાશે ભવ્ય પરેડ.

By: Krunal Bhavsar
21 Oct, 2026

Rashtriya Ekta Diwas 2026 : ગુજરાતના એકતાનગર (Ekta Nagar) ખાતે આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેશે. આ વર્ષે પહેલી વખત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ સાંજના સમયે યોજાશે. કાર્યક્રમમાં આશરે 25 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. વંદે માતરમની થીમ પર વિશેષ ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની ભાગીદારી આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રહેશે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને (Govind Mohan) બુધવારે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી હતી.

વંદે માતરમની થીમ પર તૈયાર થશે ઝાંખીઓ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આ વર્ષે વંદે માતરમ (Vande Mataram) આધારિત વિશેષ ઝાંખીઓ જોવા મળશે. ઝાંખીઓની પસંદગી સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. આયોજનમાં સરકારી વિભાગોની સાથે સામાન્ય નાગરિકોની ભાગીદારી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના લોકો પોતાની પરંપરાગત સંસ્કૃતિ, લોકનૃત્ય અને વિવિધ કલાઓ રજૂ કરશે. આ પ્રસ્તુતિઓ દ્વારા દેશની સાંસ્કૃતિક વિવિધતાને એક મંચ પર લાવવાનું આયોજન છે. આ ઉપરાંત નક્સલવાદથી અસરગ્રસ્ત રાજ્યોના લોકો દ્વારા ગવાયેલા રાષ્ટ્રગાનના વિશેષ સંસ્કરણનું પણ અનાવરણ કરવામાં આવ્યું હોવાનું ગૃહ સચિવે જણાવ્યું હતું.

નશા સામે જાગૃતિ માટે ખાસ બાઇક રેલી

આ કાર્યક્રમમાં નશામુક્તિનો સંદેશ પણ આપવામાં આવશે. તેના ભાગરૂપે ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ (Fight Against Drugs) થીમ પર વિશેષ બાઇક રેલી યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વની ભાગીદારીનું આયોજન કરવામાં આવ્યું છે. પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય વિશેષ પ્રસ્તુતિઓ નિહાળવા માટે આશરે 25 હજાર લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

ભારત પર્વ 2026માં પણ વિવિધ કાર્યક્રમો

રાષ્ટ્રીય એકતા દિવસની સાથે એકતાનગરમાં ભારત પર્વ 2026 (Bharat Parv 2026)ની ઉજવણી માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમોમાં ભારતના વિવિધ પ્રદેશોની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રદર્શિત કરવામાં આવશે. એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં યોજાનારી ઉજવણીનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ પહોંચાડવાનો છે.

31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. દેશના રજવાડાઓના એકીકરણમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવા દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની ઉજવણીમાં સુરક્ષાદળોનું યોગદાન, નક્સલ પ્રભાવિત વિસ્તારોના અનુભવો અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાને એકસાથે રજૂ કરવામાં આવશે.

પહેલી વખત સાંજે યોજાશે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ

એકતાનગરમાં દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વર્ષે પરંપરાગત સવારના સમયને બદલે સાંજે પરેડ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોવિંદ મોહનના જણાવ્યા અનુસાર, સવારના સમયે તાપમાન વધતું હોવાથી કાર્યક્રમનો સમય બદલવામાં આવ્યો છે. પરેડ દરમિયાન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (Central Armed Police Forces – CAPF) અને વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ માર્ચપાસ્ટ કરશે. ખાસ કરીને નક્સલવાદ સામેની કાર્યવાહીમાં જોડાયેલા સુરક્ષાકર્મીઓને પરેડમાં સ્થાન આપવામાં આવશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score