Rajkot Water Crisis : રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોના સમયે જ ગંભીર જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. રંગીલા રાજકોટવાસીઓને તહેવારો પૂર્ણ થતાં જ પાણી કાપ માટે તૈયારી રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરની જીવાદોરી સમાન જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી તળિયે બેસી રહ્યો છે. આગામી દિવસોમાં જો નર્મદાનું પાણી નહીં મળે તો શહેરીજનોએ પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડશે તેવી પરિસ્થિતી સર્જાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા માટે પાણી પુરવઠો જાળવી રાખવો હવે મોટો પડકાર બની ગયો છે. રાજકોટની જીવાદોરી ગણાતા આજી 1 ડેમ અને ન્યારી 1 ડેમમાં હવે માત્ર 20 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. મહત્વનું છે કે, આગામી 8 નવેમ્બરે દિવાળીનો મોટો તહેવાર છે. વર્તમાન આંકડા મુજબ આ બંને ડેમમાં માત્ર 10 નવેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ રહ્યો છે. તહેવારો પૂરા થતાં જ ડેમ ખાલી થઈ જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે.
જો હાલ, જળાશયોની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો આજી 1 ડેમમાં અત્યારે માત્ર 449 MCFT પાણી ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી 1 ડેમમાં માત્ર 437 MCFT પાણીનો જથ્થો બચ્યો છે. તેવામાં શહેરને પાણી પૂરું પાડતા અન્ય એક મુખ્ય સ્ત્રોત ભાદર 1 ડેમની સ્થિતિ પણ લાંબો સમય રાહત આપે તેવી નથી. ભાદર 1 ડેમમાંથી રાજકોટને આગામી 31 જાન્યુઆરી સુધી ચાલે તેટલું જ પાણી મળી શકે તેમ છે. આ પરિસ્થિતિ તંત્ર માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે.
દિવાળીનો તહેવાર માથે આવી રહ્યો હોવાથી શહેરમાં ઘર સફાઈની કામગીરી જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. આ કારણોસર સામાન્ય દિવસોની સરખામણીએ પાણીની દૈનિક માંગમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. એક તરફ પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે, તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક સાવ શૂન્ય છે. લોકો બેફામ પાણીનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ડેમનું જળસ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની મુશ્કેલીઓમાં સૌથી મોટો વધારો નર્મદા નીરની અનિયમિતતાએ કર્યો છે. સૌની યોજના હેઠળ ડેમમાં ઠાલવવામાં આવતું નર્મદાનું પાણી છેલ્લા 24 દિવસથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. જો સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની વ્યવસ્થા નહીં કરે, તો પાલિકા તંત્રને નાછૂટકે પાણી કાપ મૂકવાની ફરજ પડશે. રાજકોટવાસીઓએ આગામી દિવસોમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અત્યંત જરૂરી બન્યો છે.