આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર લટકતી તલવાર જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે આપ MLA ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દીધી છે. અત્રે જણાવવાનું કે લાંબી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
નીચલી કોર્ટનો ચુકાદો યથાવત
આ મામલે ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશો જશે. આવી સ્થિતિમાં હવે સજા 2 વર્ષથી વધુ થઈ હોવાથી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
અત્રે જણાવવાનું કે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને નર્મદાની કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. આવામાં તેમનું ધારાસભ્ય પદ જોખમાયું છે. જે બચાવવા માટે જામીન મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે માંગ્યો હતો. હવે આ બંને અરજીઓ હાઈકોર્ટે ફગાવી દેતા ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે.