સોશિયલ મીડિયા પર સંસ્કારની વાતો, ઘરે જુગાર! બહેન ઝડપાઈ

By: Nation Gujarat Team
24 Aug, 2026

Surat Gambling Case: સુરત સોશિયલ મીડિયા પર સંસ્કારો અને સારા વિચારોની વાતો કરતી જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ક્રિષ્ના રાખોલીયાની બહેન જુગાર રમતી ઝડપાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લસકાણા પોલીસે સુરતના આશીર્વાદ બંગલોઝ વિભાગ-4 વિસ્તારમાં દરોડો પાડી કુલ 8 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

ધાબા પર દરોડો પાડવામાં આવ્યો

પોલીસને મળેલી બાતમીના આધારે લસકાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝ વિભાગ-4ના ઘર નંબર 135ના ધાબા પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક લોકો ગંજીપાનાની મદદથી પૈસાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર્યવાહી દરમિયાન રસીલા વેકરીયા, હિતેશ ઠુંમર, હરેશ કરગર, મુકેશ સોલંકી, ગોવિંદ પટોલિયા, અમિત પરમાર, મનોજ રાઠોડ અને રસિક ગેડિયા સહિત કુલ 8 લોકોને ઝડપી પાડ્યા હતા.

ગંજીપાનાની એક કીટ મળી આવી

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રૂ. 1,16,000ની રોકડ રકમ, 8 મોબાઇલ ફોન તેમજ ગંજીપાનાની એક કીટ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ સામે જુગાર સંબંધિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની બહેનનું નામ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


Related Posts

Load more