કુમ કુમ મંદિર- લંડનના રીચમંડ ખાતે કુમકુમ મંદિર દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ.

By: Nation Gujarat Team
21 Aug, 2026

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – યુકે દ્વારા લંડન સ્થિત ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર રીચમંડ ખાતે એક વિશેષ સત્સંગ સભાનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.કે.માં વસતા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધૂન, ભજન તથા કીર્તનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સભામાં અમદાવાદથી વિશેષ પધારેલા શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને જાણીતા મોટીવેશનલ સ્પીકર સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ આ પાવનકારી ભૂમિનો ઐતિહાસિક અને આધ્યાત્મિક મહિમા ભાવિકો સમક્ષ વર્ણવ્યો હતો.
રીચમંડની ભૂમિ પાવનકારી સ્મૃતિતીર્થ: સાધુ પ્રેમવત્સલદાસજી
આ પ્રસંગે કુમકુમ મંદિરના વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રેરક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે:
મહાપુરુષોનું સ્મૃતિસ્થળ: “આ રીચમંડની ભૂમિ અત્યંત પવિત્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન અહીં વહેતી નદીમાં કરવામાં આવેલું છે.”

સ્મૃતિ વૃક્ષ અને બેન્ચ:

“આ બંને દિવ્ય મહાપુરુષોની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ-યુકે દ્વારા અહીં વૃક્ષારોપણ કરાયું છે તેમજ એક સ્મારક બેન્ચ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી અહીં આવતા સ્થાનિક અને વૈશ્વિક પ્રવાસીઓ પણ આ સંતોના તપોબળ અને શાંતિનો અનુભવ કરી શકે.”

શાસ્ત્રોક્ત મહિમા:

ભગવાન શ્રી સ્વામિનારાયણે જેતલપુર પ્રકરણના ચોથા વચનામૃતમાં કહ્યું છે કે, ‘સંતો જે જળાશયમાં સ્નાન કરે કે જે ભૂમિ પર વિચરણ કરી સત્સંગ કરે છે, તે સ્થાન તીર્થ સમાન પવિત્ર બની જાય છે.’ આ ભૂમિ પર સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ત્રણથી વધુ વખત પધારીને ભક્તોના જીવનમાં શાંતિ અને સંસ્કારોનું સિંચન કર્યું હતું.

*જીવન સંદેશ: *

“આજના તણાવભર્યા અને ભાગદોડવાળા યુગમાં આ પાવન સ્મૃતિસ્થળેથી આપણે સંતોના સદાચાર, પરોપકાર, પ્રકૃતિપ્રેમ અને નિષ્કામ ભક્તિના સંદેશને જીવનમાં ઉતારીને સાચા અર્થમાં સુખી થવાનો સંકલ્પ કરવો જોઈએ.”


Related Posts

Load more