Gen-Zના ગુસ્સા વચ્ચે બાબા રામદેવનો ધડાકો: 99 ટકા સરકારી ભરતીમાં કૌભાંડ

By: Nation Gujarat Team
15 Aug, 2026

Baba Ramdev Warns of Protest Over Alleged 99 Percent Scam in Government Jobs | દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સમારોહ બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે યોગ ગુરુ બાબા રામદેવે દેશમાં સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિઓ, ભલામણો અને લાંચખોરી ચાલી રહી છે. જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો તેમણે ફરી એકવાર રસ્તા પર ઉતરીને મોટું જનઆંદોલન કરવું પડશે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે. એક તરફ જ્યાં હાલમાં જ દેશમાં મોટા પાયે જેન-ઝી આંદોલનો થયા જેમાં યુવાનો રસ્તા પર આવ્યા હતા ત્યારે શિક્ષણ વ્યવસ્થા મુદ્દે બાબા રામદેવે પણ સૂચક નિવેદન આપ્યું છે.

ક્યાંક મારે ફરી આંદોલન ન કરવું પડે: બાબા રામદેવની ચેતવણી

બાબા રામદેવે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, સરકારી નોકરીઓના ઇન્ટરવ્યુમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવે છે અને પોતાની જાતિ, વર્ગ કે સંગઠનના લોકોને લાભ પહોંચાડીને અન્ય યોગ્ય ઉમેદવારોને પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવે છે.

વગદાર લોકો પૈસા ખવડાવી નોકરી મેળવી રહ્યા છે: બાબા રામદેવ

બાબા રામદેવે ભરતી પરીક્ષાઓ બાદ લેવાતા ઇન્ટરવ્યુ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પસંદગી પ્રક્રિયા દરમિયાન ખુલ્લેઆમ લાંચ લેવાતી હોવાની અને વગદાર લોકોની ભલામણો ચાલતી હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે. આ પ્રકારના વલણને કારણે યોગ્યતા ધરાવતા અને મહેનતુ યુવાનો અન્યાયનો ભોગ બની રહ્યા છે.

એકબીજા પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો: બાબા રામદેવ

બાબા રામદેવે નેતાઓને ટકોર કરતાં કહ્યું કે, રાજકારણીઓએ અંદરોઅંદર લડવું ન જોઈએ. લડવા માટે પાકિસ્તાન અને અન્ય વિદેશી તાકાતો છે, દેશની અંદર આપસમાં લડવાની કોઈ જરૂર નથી. નફરત અને વેરભાવ યોગ્ય નથી. દેશમાં જે સારા કાર્યો થઈ રહ્યા છે તેની પ્રશંસા પણ થવી જોઈએ અને એકબીજા પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ થવું જોઈએ.


Related Posts

Load more