સુરતના પૉશ ગણાતા વેસુ વિસ્તારમાં એક હૃદય ધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીં આભવા રોડ પર આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીના આઈ બિલ્ડિંગમાં 11મા માળે એક દંપતી લિફ્ટમાં ફસાઈ ગયું હતું. લિફ્ટમાં મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે આ દંપતી એક કલાક સુધી અંદર જ કેદ રહ્યું હતું અને ગભરામણને કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે, અંતે ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને લિફ્ટનો દરવાજો તોડી બંનેને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
11મા માળે લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ મળતી માહિતી મુજબ, વેસુ આભવા રોડ પર આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીના આઈ બિલ્ડિંગમાં રહેતું એક અગ્રવાલ દંપતી સાવનમલ અને ગીતાદેવી પોતાના ફ્લેટમાંથી નીચે જવા માટે લિફ્ટમાં ગયા હતા. લિફ્ટ હજુ 11મા માળે પહોંચી જ હતી ત્યાં ટેકનિકલ ખામીના કારણે અચાનક ખોટકાઈ ગઈ હતી.
લિફ્ટની અંદર મોબાઈલ નેટવર્ક ઠપ્પ દંપતીએ તાત્કાલિક મદદ માટે પોતાના મોબાઈલમાંથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટની અંદર મોબાઈલનું નેટવર્ક ન હોવાને કારણે તેઓ કોઈનો સંપર્ક કરી શક્યા ન હતા. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા દંપતી ભારે મૂંઝવણમાં મુકાયું હતું.
એક કલાક સુધી બૂમાબૂમ કરી, સિક્યોરિટી દોડી આવી લિફ્ટમાં બંધ હોવાને કારણે અને પંખો-લાઇટ બંધ થઈ જતાં દંપતીને અંદર અસહ્ય ગભરામણ થવા લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડવા છતાં બંનેએ હિંમત ન હારી અને લિફ્ટની અંદરથી જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. આશરે એક કલાક સુધી સતત બૂમો પાડ્યા બાદ આખરે બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડનું ધ્યાન ગયું હતું.
સિક્યોરિટીએ તાત્કાલિક મામલાની ગંભીરતા સમજીને સુરત ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. લિફ્ટમાંથી બહાર નીકળતા જ દંપતીના જીવમાં જીવ આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.