SG હાઈવે પર મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડના 10 વાહનો ઘટનાસ્થળે

By: Nation Gujarat Team
22 May, 2026

Ahmedabad SG Highway Fire news : અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં મકરબામાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો છે.

ધડાકાભેર કાચ તૂટ્યા, લોકોમાં ગભરાટ

આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે બિલ્ડિંગના બહારના હિસ્સામાં લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા, જેના લીધે નીચે ઉભેલા લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક એક્શન લીધા છે. ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલમાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવા તેમજ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલ્ડિંગમાં આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.


Related Posts

Load more