અમદાવાદમાં રાતે ગાર્ડનમાં રમવા ગયેલા બાળકો પર પોલીસે હાથ ઉઠાવ્યાનો આક્ષેપ; યુવતીએ ગાળો ભાંડી

By: Nation Gujarat Team
10 May, 2026

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગાર્ડનમાં રમવા ગયેલા બે સગીર બાળકો પર પોલીસકર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને વીડિયો ઉતારતી યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરને કરાયેલી અરજી મુજબ, 8 મે, 2026ની રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ વાસણાના સિનિયર સિટીઝન પાર્ક પાસે 9 અને 11 વર્ષના બે સગીર ભાઈઓ રમવા ગયા હતા. ગાર્ડનનો દરવાજો ખુલ્લો હોવાથી બાળકો અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે બાળકોને ‘ચોર’ સમજી લાકડી લઈને તેમની પાછળ દોટ મૂકી હતી, જેનાથી ગભરાઈને બાળકો સાયકલ મૂકીને પાર્કની રેલિંગ કૂદી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાળકો જ્યારે થોડીવાર પછી પરત આવ્યા ત્યારે ત્યાં ઉભેલી પીસીઆર વાનના બે પોલીસકર્મીઓ (એક યુનિફોર્મમાં અને એક સાદા કપડામાં) પૈકી એકે 11 વર્ષના બાળકને લાફો માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસકર્મીઓએ બાળકો પર ચોરીનો ખોટો આરોપ લગાવી પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી અને તેમના પરિવારને સ્થળ પર બોલાવ્યા હતા.

બાળકોના પરિવારની યુવતીઓ અને મહિલાઓ જ્યારે સ્થળ પર પહોંચી, ત્યારે તેમણે પોલીસની આ ગેરવર્તણૂકનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ યુવતીના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી હોવાનો પણ આક્ષેપ છે. તો બીજી તરફ પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ મહિલાઓને વિનંતી કરી ગાળો ન બોલવા અને શાંતિ રાખવાનું રહી છે.

આ મામલે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, સિનિયર સિટીઝન પાર્કમાં રાતે 12 વાગે બાળકો હતા. ગાર્ડનમાં ચોરી થયાની પોલીસને જાણ થતા PCR વાન પહોંચી હતી. જેમાં એક આઉટ સોર્સના ડ્રાઈવર હતા અને એક પોલીસકર્મી હતા. બંને બાળકો ગાર્ડનમાં છુપાઈ ગયા હતા, જેથી ડ્રાઇવરે તેમને બહાર કાઢ્યા હતા. બંનેના પરિવારને જાણ કરતા પરિવારની મહિલાઓ આવી હતી. જેમણે પોલીસને બિભત્સ ગાળો આપી હતી. પોલીસ દ્વારા કોઈ ગેરવર્તન કરવામાં આવ્યું નથી અને બાળકને લાફો પણ મારવામાં આવ્યો નથી.


Related Posts

Load more