ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે ખુશખબર સામે આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપતા શિક્ષણ વિભાગે 35 દિવસનું લાંબુ વેકેશન જાહેર કર્યું છે.
શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ શાળાઓ માટે એક સમાન પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓ, સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓ અને અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરોનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓએ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કુલ 35 દિવસનું વેકેશન
વેકેશનનો પ્રારંભ 04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશે.
નવું શૈક્ષણિક સત્ર 8 જૂનથી
વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને (DPEO) આ અંગે સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે.