Surat : 56 વર્ષના આધેડે દીકરીની છેડતી કરી, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો

By: Nation Gujarat Team
30 Apr, 2026

અમરોલી (amroli) વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે.આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના એક વિકૃત દુકાનદારે શારીરિક અડપલાં કર્યા હતા.જોકે બાળકીની હિંમત અને પરિવારની સતર્કતાને કારણે નરાધમ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.આજે જ્યારે પોલીસ (police) આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની હાજરીમાં જ આરોપીને લાતો અને ચપ્પલ વડે ફટકારી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

આધેડે સગીરાની કરી છેડતી

અમરોલીના સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં ‘શ્રીજી લાઈવ આલુપુરી’ નામની દુકાન ચલાવતો 56 વર્ષીય દિનેશ જીવરાજભાઈ રામાણી (મૂળ રહે. જૂનાગઢ) ગઈકાલે બપોરે પોતાની દુકાને હાજર હતો. આ દરમિયાન વિસ્તારની એક 11 વર્ષની બાળકી ત્યાં આલુપુરી લેવા ગઈ હતી. દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ન હોવાનો લાભ ઉઠાવી દિનેશે બાળકીને વાતોમાં ભોળવી ટેબલ પર બેસાડી હતી. ‘તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું’ તેમ કહી નજીક બોલાવી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી.

અમરોલી પોલીસે બનાવની ગંભીરતા સમજી તુરંત જ ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આ પહેલા પણ આરોપીએ કોઈ બાળકીની છેડતી કરી હોવાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.


Related Posts

Load more