ઈરાનમાં 165 બાળકીના મોતનો વિવાદ, અમેરિકાએ જ સ્કૂલ પર બોમ્બ ઝીંક્યા હતા? જાણો પુરાવા શું કહે છે

By: Nation Gujarat Team
11 Mar, 2026

Iran’s Minab School Bombing : ઈરાનના દક્ષિણી શહેર મિનાબમાં આવેલી શજારેહ તૈયબેહ પ્રાઈમરી સ્કૂલ પર 28 ફેબ્રુઆરીના રોજ થયેલો બોમ્બ વિસ્ફોટ ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલના યુદ્ધની સૌથી ભયાનક ઘટના બની ગઈ છે. આ હુમલામાં 7થી 12 વર્ષની 165 જેટલી છોકરી સહિત 175 જેટલા લોકો માર્યા ગયા. યુનેસ્કોએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ‘ગંભીર ઉલ્લંઘન’ ગણાવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે, ત્યાં બીબીસી, સીએનએન, ન્યૂ યોર્ક ટાઈમ્સ અને બેલિંગકેટ જેવી સંસ્થાઓએ ભેગા કરેલા પુરાવા સ્પષ્ટ સંકેત આપે છે કે આ હુમલો અમેરિકા દ્વારા જ કરાયો હતો

મિનાબ શહેર હોર્મુઝ સામુદ્રધુની નજીક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં છે. શજારેહ તૈયબેહ પ્રાથમિક સ્કૂલ ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નૌકાદળની છાવણીની નજીક છે. સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે 2013માં આ સ્કૂલ આ જ લશ્કરી સંકુલનો ભાગ હતી, પરંતુ 2016 સુધીમાં તેને દીવાલ ચણીને અલગ કરી દેવાઈ. ત્યારબાદ આ ઇમારતમાં રંગબેરંગી ભીંતચિત્રો અને રમતગમતનું મેદાન જેવી સુવિધા ઊભી કરાયાના સ્પષ્ટ સંકેતો જોવા મળે છે. આટલું નજીકનું સ્થાન હોવાને કારણે શક્ય છે કે અમેરિકન સૈન્ય IRGC બેઝને નિશાન બનાવતી વખતે સ્કૂલને લશ્કરી લક્ષ્ય સમજી ભૂલ કરી હોય અથવા તેની ઓળખ ચકાસવામાં બેદરકારી કરી

વિસ્ફોટ બાદના વીડિયોમાં શું જોવા મળે છે? 

હુમલા બાદ તરત જ સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂલના આંગણામાંથી ધુમાડાના ગોટેગોટા ઊઠી રહ્યા છે. એક બીજા વીડિયોમાં IRGC કમ્પાઉન્ડના પ્રવેશદ્વાર પાસેથી પણ ધુમાડો જોવા મળે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે હુમલો એક સાથે અનેક સ્થળે થયો હતો, ફક્ત સ્કૂલ પૂરતો મર્યાદિત નહતો

યુદ્ધની આગમાં 165 જેટલી નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યા, એ સમાચારે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો. સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અમેરિકાની સરકાર પર ભારે ફિટકાર વરસવા લાગ્યો. અમેરિકન સરકાર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બચાવમાં કહ્યું છે કે આ હુમલો અમે નથી કર્યો. તેમણે દાવો કર્યો કે આ ઘટના માટે ઈરાન પોતે જ જવાબદાર છે. ટ્રમ્પે એવી દલીલ કરી કે ઈરાનના હથિયારો ચોક્કસ રીતે કામ નથી કરતા, તેમની જ મિસાઈલ ભૂલથી સ્કૂલ પર પડી હશે. પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસે પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપતા કહ્યું કે, તેઓ ક્યારેય ઇરાદાપૂર્વક નાગરિકો અથવા સ્કૂલ જેવી નાગરિક સંસ્થાઓને નિશાન બનાવતા નથી

પ્લેનેટ લેબ્સ દ્વારા 4 માર્ચે લેવાયેલી સેટેલાઈટ તસવીરો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડે છે. આ તસવીરોમાં IRGC નૌકાદળના સંકુલની અંદર ઓછામાં ઓછી 4 ઇમારતો સંપૂર્ણપણે નાશ પામેલી જોવા મળે છે, જ્યારે 2 અન્ય ઇમારતોના છત પર ચોક્કસ નિશાના સાથે અથડામણના નિશાન દેખાય છે. સ્કૂલની ઇમારત પણ આંશિક રૂપે તૂટી પડેલી જોવા મળે છે. અમેરિકન એરફોર્સમાં સેવા આપી ચૂકેલા રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક વેસ બ્રાયન્ટે આ તસવીરો જોયા બાદ જણાવ્યું છે કે, આ તમામ ઇમારતો ખૂબ ચોકસાઈપૂર્વક નિશાન બનાવાઈ હોય એવું લાગે છે

અમેરિકાના યુદ્ધ-નકશા પણ પુરાવા સાચા હોવાનું કહે છે

અમેરિકાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ તેના સત્તાવાર નિવેદનો અને યુદ્ધ-નકશા પુરાવા સાચા હોવા તરફ ઈશારો કરે છે.

નકશામાં મિનાબનો સમાવેશ: 4 માર્ચે પેન્ટાગોનમાં યુદ્ધના પ્રથમ 100 કલાક દર્શાવતો જે ગ્રાફિક નકશો રજૂ કરાયો હતો, તેમાં દક્ષિણ દરિયાકાંઠે અમેરિકન હુમલાના સ્થળો દર્શાવાયા હતા, જેમાં મિનાબ વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. જેનો અર્થ એ કે આ શહેર પર અમેરિકાએ હુમલો કર્યો હતો.

તપાસની સ્વીકૃતિ: સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું છે કે અમે આ ઘટનાની ‘તપાસ કરી રહ્યા છે’. અમેરિકન લશ્કરી તપાસકર્તાઓએ પ્રારંભિક તારણમાં જણાવ્યું હતું કે આ હુમલામાં અમેરિકન સૈન્ય સંભવિત રૂપે સામેલ હતું.

ઇઝરાયલનો ઇનકાર: ઇઝરાયલી સરકારી સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ હુમલા પાછળ તેમનો હાથ નથી, તેમની સેના તે વિસ્તારમાં કાર્યરત નહોતી


Related Posts

Load more