Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. પોતાના વક્તવ્ય દરમિયાન ગેનીબેને રાજકીય મતભેદો બાજુ પર મૂકીને વિકાસ અને સામાજિક સુધારા પર ભાર મૂક્યો હતો.
ગોવિંદભાઈ ધોળકિયાની પ્રશંસા કરી અને ‘રાજધર્મ’ની વાત
ગેનીબેન ઠાકોરે ભાજપના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, “ગોવિંદભાઈ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો તે ગર્વની વાત છે. ડાયમંડ ઉદ્યોગમાં તેમનું નામ સર્વોચ્ચ છે, પરંતુ આ સિદ્ધિ રાતોરાત નથી મળી, તેની પાછળ 25 વર્ષની સખત મહેનત છે.” તેમણે ઉમેર્યું કે ગોવિંદભાઈએ પોતાના રત્નકલાકારોનું હંમેશા ભલું કર્યું છે અને તમામ સમાજને સાથે લઈને ચાલ્યા છે.
રત્નકલાકારો માટે સરકારમાં રજૂઆતની ખાતરી
સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મંદીના કારણે રત્નકલાકારોના પરિવારો મુશ્કેલીમાં છે. આ મુદ્દે તેઓ તમામ પુરાવાઓ સાથે કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂઆત કરશે અને રત્નકલાકારો માટે આર્થિક સહાયની માંગણી કરશે. તેમણે સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણાવીને અહીંના ધંધા-રોજગારના સ્ટેટસના વખાણ કર્યા હતા. પોતાના ‘રાજધર્મ’ વિશે વાત કરતા ગેનીબેને કહ્યું કે, “જ્યારે હું સાંસદ બની ત્યારે મારું સૌથી પહેલું સ્વાગત ચૌધરી સમાજે કર્યું હતું. રાજકીય કિન્નખોરી રાખીને કોઈ સમાજનું બૂરું ન કરવું જોઈએ. તમામ સમાજની સેવા કરવી એ જ સાચો રાજધર્મ છે.”
સામાજિક બંધારણ
સમાજમાં આવતા કુરિવાજો અને દેખાદેખી પર પ્રહાર કરતા ગેનીબેને ઠાકોર, રબારી અને જાગીરદાર સમાજ દ્વારા તૈયાર કરાયેલા સામાજિક બંધારણને બિરદાવ્યું હતું. તેમણે લોકોને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા ઘટાડવા હાકલ કરી હતી.
મોંઘી ચાંદી પર ગેનીબેનનો કટાક્ષ
ચાંદીના વધતા ભાવ અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “આજે ચાંદીના ભાવ આસમાને છે. દીકરીને દાગીના આપવા માટે ખેડૂતે પોતાની એક-બે વીઘા જમીન વેચવી પડે છે. આ જમીન કોઈ ખેડૂત નહીં પણ ઇન્વેસ્ટરો ખરીદે છે, જેના કારણે ખેડૂત પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે.”
મારું ઘર એ તમારી ધર્મશાળા”, મોબાઇલ નંબર કર્યો જાહેર
ગેનીબેને સ્ટેજ પરથી જ પોતાનો જૂનો મોબાઇલ નંબર જાહેર કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેમણે કહ્યું, “કંઈ પણ કામ હોય તો બેઝિઝક ફોન કરજો. જો હું ફોન ન ઉપાડું તો મેસેજ કરજો, હું સામેથી કામ કરીશ.” દિલ્હી આવતા લોકોને આમંત્રણ આપતા તેમણે ભાવુક અપીલ કરી કે, “દિલ્હીમાં બનાસકાંઠાના સાંસદ તરીકે મને જે ઘર મળ્યું છે, તેને તમે હોટલ, ઘર કે ધર્મશાળા ગણીને ત્યાં જરૂર પધારજો, તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે.”
SIR અને નામ નોંધણી અંગે સૂચના
અંતમાં તેમણે એસ.આઈ.આર. (SIR) ની કામગીરી અંગે સમાજના લોકોને જાગૃત કર્યા હતા. તેમણે અપીલ કરી કે સુરતમાં સ્થાયી થયેલા લોકો પોતાનું નામ ટ્રાન્સફર કરાવે અને સરકારી રેકોર્ડમાં નામની ચકાસણી કરી લે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે.