અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ‘ઓપરેશન દોરી’ અંતર્ગત ગઈકાલે અમદાવાદ સાણંદમાં દરોડા પાડી ભીખાભાઈ શાંતિભાઈ રાણા નામના શખ્સોના ફાર્મ હાઉસમાંથી 39 બોક્સમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 1872 રીલ (7 લાખ 48 હજાર 800ની કિંમતનો) જપ્ત કરી છે અને આખા આણંદ શહેરમાંથી પોલીસે કુલ રૂ. 2.01 લાખનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો.
બાદ આ કેસના તાર છેક દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી સાથે જોડાયેલા જણાતા પોલીસે ત્યાં કાર્યવાહી કરી હતી અને ત્યાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં સ્થિત ચાઈનીઝ દોરી બનાવતા કારખાનામાંથી રૂપિયા 1.50 કરોડ કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 43,192 રીલ જપ્ત કરી આ કારખાનાને સીલ કરી દીધું હતું, સાથે જ આ મામલે 15થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી એક આરોપીની ધરપકડ કરાઈ હતી, જે પકડાયેલા આરોપીની પૂછપરછમાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.
દાદરાનગર હવેલીમાંથી જે ચાઈના દોરીનું રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તેમાં કેવી રીતે આ ચાઈના દોરી બનાવવામાં આવતી હતી? જે માટે મશીનરીઓ કારખાનામાં રાખવામાં આવી હતી અને કેવી રીતે રાજ્યની અન્ય બજારોમાં ચાઈના દોરી ઘુસાડવામાં આવતી હતી તેનો આરોપીની પૂછપરછમાં અને તપાસમાં પર્દાફાશ થયો છે.
આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે, દાદરના કારખાનામાંથી જે રો મટીરીયલ મળી આવ્યું છે, તે લોકલ એરિયામાંથી મંગાવેલું હોવાનું માલુમ પડ્યું છે. જેમાં મોટી માત્રામાં જપ્ત કરાયેલ પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકના કચરામાંથી આ લોકો જે કારખાનામાં મશીનરી છે તેના ઉપયોગથી ચાઈના દોરી બનાવવાનું કામ કરતા હતા.
વધુમાં દાદરના કારખાનામાં મળી આવેલી મશીનરી અને ત્યાંથી મોટી માત્રામાં મળી આવેલ મુદ્દામાલને ધ્યાને લઈને એ સંભાવના છે કે આ ચાઈના દોરીનું આખું રેકેટ ગુજરાતમાં ચલાવવામાં આવતું હતું જેની હાલ તપાસ ચાલી રહી છે સાથે જ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલુ કરી છે તે પણ તપાસ ચાલી રહી છે. ખાસ આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ વિરેન નામનો શખ્સ હજુ છે જે પોલીસ પકડથી હાલ દૂર છે, તે પકડાશે એટલે કૌભાંડના અસલી રાઝ બહાર આવશે તેવી માહિતી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ ઉમેરી હતી.