થાઈલેન્ડે કંબોડિયા પર એરસ્ટ્રાઈક કરી:ટ્રમ્પે બે મહિના પહેલા જ યુદ્ધવિરામ કરાવ્યો હતો

By: Nation Gujarat Team
08 Dec, 2025

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. સોમવારે સવારે થાઈલેન્ડે કંબોડિયાના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. થાઈલેન્ડનું કહેવું છે કે તેણે માત્ર તે સૈન્ય ઠેકાણાઓ પર જ એરસ્ટ્રાઈક કરી છે.

આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે માત્ર બે મહિના પહેલા બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર થયો હતો. હવે તે કરાર તૂટતો દેખાઈ રહ્યો છે.

થાઈ સેનાનો દાવો છે કે કંબોડિયાએ પહેલા તેમની સરહદ પર હુમલો કર્યો હતો, જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.

થાઈલેન્ડ મુજબ, કંબોડિયા ઘણા દિવસોથી સરહદ પર ભારે હથિયારો જમા કરી રહ્યું હતું અને પોતાની સેનાને નવી જગ્યાઓ પર તહેનાત કરી રહ્યું હતું. આ જ કારણે તેમને હવાઈ હુમલો કરવો પડ્યો.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર આવેલા એક પ્રાચીન શિવ મંદિર પ્રીહ વિહિયર (પ્રિય વિહાર) ને લઈને વિવાદ છે. આ મંદિર કંબોડિયાની સરહદમાં છે, પરંતુ આસપાસની જમીન પર બંને દેશો પોતાનો અધિકાર જણાવે છે.

કંબોડિયા બોલ્યું- થાઈ સેના ઉશ્કેરણીજનક હરકત કરી રહી છે

કંબોડિયાએ થાઈલેન્ડના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી અને તે તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે. પરંતુ થાઈ સેના ઘણા દિવસોથી ઉશ્કેરણીજનક હરકતો કરી રહી છે.

આ લડાઈને કારણે બોર્ડર પાસે રહેતા થાઈલેન્ડના ઘણા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. થાઈ સરકારનું કહેવું છે કે તેણે લગભગ 70% નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દીધા છે.

આ દરમિયાન એક નાગરિકનું મોત પણ થયું, પરંતુ સરકારનું કહેવું છે કે તેનું મોત બીમારીને કારણે થયું છે.


Related Posts

Load more