ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSમાં ફસાયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર હવે પાછા ફરશે. તેમને અને એસ્ટ્રોનટ બુચ વિલ્મોરને લેવા માટે અમેરિકી સ્પેસ એજન્સી નાસા અને સ્પેસએક્સએ એક મિશન લોન્ચ કર્યું છે. આ બંને નવ મહિનાથી સ્પેસમાં ફસાયેલા હતા. મિશનમાં ફાલ્કન 9 રોકેટે ક્રુ-10 મિશન હેઠળ ડ્રેગન અંતરિક્ષ યાનને અંતરિક્ષમાં લોન્ચ કર્યું. આ મિશને ચાર નવા અંતરિક્ષ યાત્રીઓને પણ ISS મોકલ્યા છે. જેમાં નાસાના એની મેકક્લેન અને નિકોલ એયર્સ, JAXA ના તાકુયા ઓનિશી અને રોસ્કોસ્મોસના કિરિલ પેસ્કોવ સામેલ છે. આગામી સપ્તાહે તેઓ પૃથ્વી પર પાછા ફરી શકે છે. જ્યારે તેઓ ધરતી પર પગ મૂકશે તો બની શકે કે તેઓ ચાલવાનું જ ભૂલી ગયા હોય. વિશેષજ્ઞોએ તેની પાછળ મોટું કારણ ગણાવ્યું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ એક વર્ષથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા છે. હવે તેઓ શુક્રવારે શરૂ થયેલા સ્પેસએક્સ બચાવ મિશન દ્વારા પાછા ફરવાના છે. આગામી સપ્તાહે જ્યારે બંને અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફરશે તો તેઓ કદાચ ચાલી શકશે નહીં. તેઓ 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. જ્યારે તેઓ ઘરે પાછા ફરશે ત્યારે તેમને બેબી ફીટ ની સમસ્યા થશે. આવી સ્થિતિમાં તેમના માટે ચાલવું ખુબ જ કષ્ટદાયક રહેશે.
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી લેરોય ચિયાઓએ કહ્યું કે તેમના પગના નીચેનો કઠોર ટિશ્યુ ખતમ થઈ ગયો હોય, જેના કારણે દરેક પગલું ભરવું તેમના માટે કષ્ટદાયક બની જશે. લેરોયે કહ્યું કે તમે લાંબા સમયથી અંતરિક્ષમાં રહો તો તમારા પગની ત્વચાનો મોટો ભાગ ગુમાવી દો છો. જ્યારે તમને ધરતી પર પાછા ફરો ત્યારે તમારા પગ બાળકોના પગ જેવા થઈ જાય છે. જો કે પહેલા જેવા પગ પણ પછી થઈ જાય છે. પરંતુ શરૂઆતના કેટલાક દિવસો સુધી ચાલવું મુશ્કેલ બને છે. આ અગાઉ સુનિતાએ જણાવ્યું હતું કે તેમણે સ્ટેશન પર ઝીરો ગ્રેવિટીમાં એટલો સમય વિતાવ્યો છે કે હવે તેઓ પોતાના પગનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા છે. વૈજ્ઞાનિકો સુનિતા અને બુચના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. કારણ કે અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાથી હાડકાં અને માંસપેશીઓને નુકસાન થઈ શકે છે. તથા એરોબિક અને હ્રદય સંબંધિત કાર્ય ધીમા પડી શકે છે.