BJP Gujarat: નવસારીનાં કરાડી ગામે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાનાં શતાબ્દી મહોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે. દાંડી નમક સત્યાગ્રહનાં કારણે કરાડીગામ ઈતિહાસમાં અમર થઈ ગયુ છે.’ આ મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ એકબીજાને પડકારતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું અને હાજર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો
આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મુખ્યમંત્રીની હાજરામાં મંચ પરથી જલાલપોરનાં ધારાસભ્ય આર.સી.પટેલ ઉપર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જલાલપોરનાં બાકી કામોને જોતાં આર.સી.પટેલને સાતમી વખત પણ ટિકીટ આપવી પડશે. તેમનો ઈશારો કામો થતા નથી એવું દર્શાવવાનો હતો. જેનાં જવાબમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પડકારતા ધારાસભ્ય આર.સી.પટેલે ખોંખારો ખાતા જણાવ્યું હતું કે, ‘જલાલપોર મત વિસ્તારમાં તમામ રસ્તાના કામો થઈ ગયા છે, અહીં હાજર પૈકી કોઈપણ વ્યક્તિ કહે કે કામ થયુ નથી, તો હું રાજકારણ છોડી દઈશ.’