ભારતીય ટીમે પુણેમાં રમાયેલી ચોથી T20 મેચમાં ઈંગ્લેન્ડને 15 રને હરાવીને પાંચ મેચોની T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. એ જ રીતે, ભારતે 2019 થી ઘરઆંગણે T20 ફોર્મેટમાં શ્રેણી જીતવાનું તેનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું અને ઘરઆંગણે તેની સતત 17મી T20 શ્રેણી જીતી. ભારતને આ મેચ જીતાડવામાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાનું મહત્વનું યોગદાન હતું, જે મેચ માટે પ્લેઇંગ-11માં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ શિવમ દુબેના કન્ક્શન સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર આવેલા હર્ષિતે ડેબ્યૂમાં જ સૌનું ધ્યાન ખેચ્યુ .
શિવમ દુબેની જગ્યાએ હર્ષિતને મેદાનમાં ઉતરવાની તક મળી. આઈસીસીના નિયમો અનુસાર, કન્સશન અવેજી તરીકે સામેલ ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકે છે. ભારતને આનો ફાયદો મળ્યો અને હર્ષિત ટી-20 ઈન્ટરનેશનલમાં કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો. હર્ષિત ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ રીતે, હર્ષિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વિશ્વનો સાતમો ખેલાડી બન્યો, જ્યારે તે T20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કરનાર પ્રથમ બોલર બન્યો.
હર્ષિતે વ્યૂહરચના જણાવી
મેચ બાદ હર્ષિતે કહ્યું કે, તે મારા માટે હજુ પણ ડ્રીમ ડેબ્યૂ જેવું છે. બે ઓવર પછી મને કહેવામાં આવ્યું કે હું કન્સશન સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર આવીશ. આ માત્ર આ સિરીઝ વિશે નથી કારણ કે હું લાંબા સમયથી આ તકની રાહ જોઈ રહ્યો હતો અને સાબિત કરવા માંગતો હતો કે હું ટીમમાં રહેવા માંગુ છું. મેં આઈપીએલમાં સારી બોલિંગ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવું પ્રદર્શન કરવા ઈચ્છું છું.
શિવમ દુબે ઘાયલ થયો હતો
શિવમ દુબે ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં ઈજાનો શિકાર બન્યો હતો. જેમી ઓવરટોનનો બોલ તેના હેલ્મેટ સાથે અથડાયો, જે બાદ ડોક્ટરોની એક ટીમ તેની હાલત વિશે પૂછપરછ કરવા મેદાનમાં પહોંચી. પરંતુ ઈનિંગના અંત બાદ તેને કન્સશન ટેસ્ટ માટે જવું પડ્યું હતું. આ કારણોસર તેમના સ્થાને હર્ષિત રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.