Constitution Available In Sanskrit And Maithili Language: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ભારતના 75માં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણ વિમોચન કર્યું હતું.
બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને કોઈનનું પણ અનાવરણ કર્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સાંસદ સેશનમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પર લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. શાળાઓ, શહેરો અને ગામડાંઓમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરવામાં આવશે.
દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપે છે બંધારણ
બંને ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે, જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરે.’