મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શનિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ અને મહા વિકાસ અઘાડી (MVA) વચ્ચેની સ્પર્ધાના પરિણામ પર બધાની નજર છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે 20 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં અંતિમ મતદાન 66.05 ટકા હતું જ્યારે 2019માં આ આંકડો 61.1 ટકા હતો.મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોના ચૂંટણી પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર પણ જાહેર કરવામાં આવશે
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડના રાજકારણ બાદ હવે સ્થિરતા આવશે કે રાજકીય ઉઠાપટકનો દોર હજુ પણ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી એમ સામસામી છાવણીઓ મંડાઈ છે. આ બંને છાવણીઓ પરિણામ પછી અકબંધ રહે છે કે પછી તેમાં પણ ફરી તોડફોડ અને રાજકીય પુનઃ જોડાણો રચાય છે તે વિશે અટકળો થઈ રહી છે.
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPએ 59 બેઠકો પર ચૂંટણી લડી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસે 101 પર, શિવસેના (UBT) 95 પર અને NCP (SP)એ 86 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય બસપા અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં મતદાન ત્રણ દાયકામાં સૌથી વધુ 66.05 ટકા મતદાન રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળની શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંને મતદાનની આ વધેલી ટકાવારીને પોતાના માટે સકારાત્મક નિશાની ગણાવે છે. બંને વચ્ચે તીવ્ર સંઘર્ષ હોવા છતાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિને નજીવી સરસાઈ મળતી હોવાની આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલ સાચા પડે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીએ લાડકી બહિન યોજના જેવી લ્હાણી પર મહત્તમ મદાર બાંધ્યો છે. જોકે, તેમને મરાઠા અનામત આંદોલનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે સમગ્ર ચૂંટણી ચર્ચાને એક દિશામા વાળવા માટે ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ના ચૂંટણી નારા આપ્યા હતા. જોકે, મહાયુતિના જ એક સાથી પક્ષ અજિત પવારની એનસીપીએ આ નારાનો વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એક યુતિ બનાવીને લડયાં હતા જ્યારે તેમનો મુકાબલો કોંગ્રેસ તથા એનસીપીની યુતિ સામે થયો હતો. પરંતુ, હવે રાજ્યમાં બે શિવસેના અને બે એનસીપી છે અને બંનની એક એક પાંખ સામસામી છાવણીમાં વહેંચાઈ ચૂકી હોવાથી મુકાબલો રસપ્રદ બન્યો છે.
ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે જંગ
ઝારખંડમાં કુલ 81 વિધાસભા બેઠક છે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થયું હતું, પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું. ઝારખંડમાં NDA (ભાજપ-AJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો છે.
ઝારખંડમા 68.45 ટકા મતદાન બાદ પરિણામો અંગે અટકળો ચલાવાઈ રહી છે. ઝારખંડમાં ભાજપે સત્તા મેળવવા માટે ઘણા વાયદા કર્યા છે, ત્યારે અહીં ભાજપને સત્તા આંચકવાના પ્રયાસમાં સફળતા મળે છે કે કેમ તે વિશે અટકળો છે. જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેનના વડપણ હેઠળ JMMની આગેવાની હેઠળનું ગઠબંધન NDA સામે ગુમાવેલી બાજી જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો કે એક્ઝિટ પોલમાં પરિવર્તનની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન શાસક પક્ષને હટાવી શકે છે.
આ ચૂંટણી પરિણામો સાથે ઈન્ડિયા ગઠબંધનની એકતા પણ દાવ પર લાગી છે. સાથે સાથે રાહુલ ગાંધીના વિપક્ષી નેતા તરીકેના નેતૃત્વની પણ કસોટી છે. આ પરિણામોની અસર શેરબજારથી માંડીને સંસદના આગામી શિયાળુ સત્ર સુધી લંબાય તેવી શક્યતા છે.