નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

By: nationgujarat
28 Sep, 2024

નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે.

તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.

તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.

આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને, મહીસાગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને, બોટાદમાં ભારે વરસાદ સાથે યલો અલર્ટ છે.

મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.


Related Posts

Load more