ધાનેરામાં ધોળા દિવસે ધિંગાણું:જમીન મુદ્દે ધબધબાટી

By: nationgujarat
28 Sep, 2023

ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. બે સમાજના પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં આઠ લોકોને ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે અને ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને જૂથ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બંને જૂથ ધોકા-લાકડીઓ લઇ સામસામે આવી ગયાં
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકના ધરણોધર ગામે જમીન બાબતે અગાઉ પણ બે જૂથો વચ્ચે ધિંગાણું થાય તે પહેલાં પોલીસ પહોંચી જતાં પોલીસ દ્વારા બન્ને પક્ષે જામીનો લેવડાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ફરીથી બુધવારે આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથોના લોકો લાકડી અને ધોકા લઈને સામસામે આવી ગયા હતા. બંને જૂથે સામસામે હુમલો કરતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં ધાનેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જે બાદ ઈજાગ્રસ્ત 4 મહિલાઓ અને 4 પુરુષને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સામે આવેલા વીડિયોમાં શું દેખાય છે?
બંને જૂથ વચ્ચે થયેલી મારામારીનો જે વીડિયો સામે આવ્યો છે એમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેટલીક મહિલાઓ અને પુરુષો ધોકા લાકડીઓ લઇને સામસામે આવી જાય છે અને એકબીજા પર નિર્દયતાથી લાકડીઓ વરસાવે છે. જેમાં મહિલાઓની ચિચિયારીઓ પણ સંભળાય છે.


Related Posts

Load more