22મીએ અડધા દિવસની રજા:કેન્દ્ર સરકારની જાહેરાત

By: nationgujarat
18 Jan, 2024

લોકોની લાગણી અને તેમની વિનંતીઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત કરી છે. જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે.

પાંચ રાજ્યોમાં રજાની જાહેરાત
પાંચ રાજ્યોની સરકારે અગાઉથી જ 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. આ રાજ્યોમાં હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ- 22 જાન્યુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો અનુસાર, રામમંદિરના ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. તેમજ તે દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.

મધ્યપ્રદેશ- મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશમાં 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દારૂ અને ભાંગની દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કરતી વખતે મોહન યાદવે રાજ્યમાં 22 જાન્યુઆરીને ‘ડ્રાય ડે’ તરીકે પણ જાહેર કર્યો છે. તેમણે કહ્યું, “જનતાની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, અમે નિર્ણય લીધો છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં ‘ડ્રાય ડે’ રહેશે. દારૂ અને ભાંગની દુકાનો બંધ રહેશે.

ગોવા- લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર, ગોવાની સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓ માટે રજાની પણ જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, “શાળાઓની સાથે માત્ર સરકારી કર્મચારીઓ માટે જ જાહેર રજા રહેશે.”

છત્તીસગઢ- છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓ અને કોલેજોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, “આખી દુનિયા સિયારામને જાણે છે. હું યથાશક્તિ તમને વંદન કરું છું. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની સ્થાપનાના દિવસે 22 જાન્યુઆરીએ છત્તીસગઢની તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ અને કોલેજોમાં રજા રહેશે.

હરિયાણા- હરિયાણા સરકારે પણ 22 જાન્યુઆરીએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પ્રાણપ્રતિષ્ઠા સમારોહના દિવસે રાજ્યમાં ક્યાંય પણ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મંત્રીઓને આપવામાં આવ્યા નિર્દેશ
મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરે દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી પછી પોતપોતાના સંસદીય ક્ષેત્રના લોકોને પણ ટ્રેનોમાં અયોધ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને તેમની સાથે ટ્રેનમાં અયોધ્યા જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ બધું એટલી સાદગી સાથે કરવું જેથી સૌહાર્દ અને સદ્ભાવ જળવાઈ રહે.


Related Posts

Load more