અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે. આજથી પવિત્ર અધિક શ્રાવણમાસનો પ્રારંભ થતાની સાથે શિવાલયો શિવોહમ, શિવોહમ, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. હિન્દુ ધાર્મિક પરંપરામા દેવાધિદેવ મહાદેવની પુજા-અર્ચના માટે શ્રાવણ માસનુ અનેરૂ મહત્વ પ્રસ્થાપિત થયુ છે. ત્યારે બીજી તરફ અધિક માસનુ પુરૂષોત્તમમાસ તરીકે ભગવાન વિષ્ણુની ઉપાસનાને લઇને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્તા રહેલી છે
અધિક શ્રાવણ માસનો પ્રારંભ
અધિક માસનો પ્રારંભ 18 જુલાઈ, 2023, મંગળવાર એટલે કે આજથી થશે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણના બાકીના 15 દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં 17 ઓગષ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.
19 વર્ષ બાદ થયો છે હરિ અને હરનો સંગમ
19 વર્ષ બાદ આ વર્ષે અધિક માસ સાથે શ્રાવણ મહિનો આવ્યો છે. આ વર્ષે શ્રાવણ માસ 2 મહિનાનો છે. જેમાં 17 તારીખે સોમવતી અમાસ છે અને 18 તારીખથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. અધિક માસમાં વિષ્ણુ પૂજન કરવામાં આવે છે જ્યારે શ્રાવણ મહિનામાં શિવનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે હરિહરનો સમન્વય થયો છે.
અધિક માસ કયા મહિનામાં આવે છે?
ચૈત્રથી અશ્વિન સુધી આ 7 મહિનાઓમાંથી 1 મહિનો અધિક માસ તરીકે આવે છે. ફાલ્ગુન મહિનો પણ અધિક માસના રૂપમાં આવે છે. કારતક અને પોષના આ મહિનાઓ ઉમેરવાથી વધુ મહિના આવતા નથી. આ 3 મહિનાઓમાંથી કોઈપણ એક ક્ષયનો મહિનો હોઈ શકે છે, કારણ કે આ 3 મહિનામાં સૂર્યની ગતિ વધુ હોવાને કારણે એક ચંદ્ર મહિનામાં બે સંક્રમણ થઈ શકે છે. જ્યારે ક્ષય મહિનો આવે છે, ત્યારે 1 વર્ષમાં, એક ક્ષય મહિના પહેલા અને એક પછી, આવા વધુ બે મહિના નજીક આવે છે. માઘ મહિનો અધિક માસ કે ક્ષય માસ નથી.