હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી, હીરા કામદારો માટે એક્શન પ્લાનની તૈયારી –

By: nationgujarat
13 Mar, 2025

સુરત: હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે હીરા કામદારોની કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાતના વિવિધ શહેરોના હીરા સંગઠનોના અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.

આ બેઠકમાં, મુખ્યમંત્રીએ હીરા કામદારોને મદદ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને આગામી બે દિવસમાં નક્કર કાર્ય યોજના તૈયાર કરવાની ખાતરી આપી.

ઉલ્લેખનીય છે કે દુનિયામાં પોલિશ્ડ હીરાના ૯૦% ઉત્પાદનનું કામ સુરતમાં થાય છે. સુરત ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ હીરા કાપવાનું અને પોલિશ કરવાનું કામ મોટા પાયે થાય છે. જોકે, છેલ્લા અઢી વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે હીરા કામદારોની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી છે.

આ સંદર્ભમાં હીરા ઉદ્યોગના નેતાઓએ સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી. યોજાયેલી બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જૂનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખવિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા અને અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયા હાજર રહ્યા હતા.

આ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ હીરા કામદારોની સમસ્યાઓ મૂકી, જેનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને ઝડપી ઉકેલની ખાતરી આપી. ઈન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ આ વિશે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ હીરા કામદારોને મદદ કરવા માટે સરકારની તૈયારી વ્યક્ત કરી છે અને સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી છે. આગામી બે દિવસમાં, હીરા કામદારો માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, જે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

Related Posts

Load more