સુરતમાં રત્નકલાકારોની માંગણી મુદ્દે CMને રજૂઆત બાદ પ્રશાસન હરકતમાં, સુરત કલેક્ટરે આગેવાનો સાથે કરી બેઠક

By: nationgujarat
15 Mar, 2025

સુરત: હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને કારણે લાંબા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહેલા રત્નકલાકારો માટે વારંવારની રજૂઆત પછી પણ સરકાર તરફથી કોઈ મદદ નહીં મળતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ૩૦મી માર્ચથી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ મંગળવારે રત્નકલાકારોને રાહત પેકેજ આપવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે પ્રશાસન હરકતમાં આવતા બુધવારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આગેવાનો સાથે બેઠક કરી રત્નકલાકારોના પ્રશ્નો બાબતે માહિતી મેળવવામાં આવી હતી.

આ બેઠકમાં ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટયૂટના ચેરમેન દિનેશ નાવડિયા, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં હીરાઉદ્યોગના પ્રશ્નો અને સમસ્યા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ, કારીગરોને લઘુતમ વેતન, કારીગરોની મજૂરીના ભાવમાં વધારો, આગામી સત્રમાં બાળકોની સ્કૂલ ફીની વ્યવસ્થા, વ્યવસાય વેરો નાબૂદ કરવા, લોન માફી અને આર્થિક પેકેજ આપવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ આગામી દિવસોમાં હજી બેઠક મળશે અને રત્નકલાકારોની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે, એવી ખાતરી મળતા થોડી રાહત થઈ છે. આ બેઠકનો રિપોર્ટ ગાંધીનગર મોકવામાં આવશે. જોકે, જ્યાં સુધી પરિણામ આવશે નહી, ત્યાં સુધી હડતાળનું એલાન પાછું ખેંચવામાં આવશે નહીં, એમ વધુમાં કહ્યું હતું.


Related Posts

Load more