Rajya Sabha Winter Session: સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દાથી માહોલ ગરમાયો હતો. રાજ્ય સભામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને ધનખડ વચ્ચે ખટપટ થયાં બાદ હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ આજે લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા થઇ જેમાં પ્રિયંકા ગાંધીએ પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે ભાજપ ફક્ત લોકોને ડરાવવાનું કામ કરે છે. પ્રજા સત્ય બોલે તો તેમને ડરાવાય છે. ઈડી, સીબીઆઈના ફેક કેસ કરાવાય છે. કોંગ્રેસના નેતાઓને ડરાવે છે, જેલમાં નાખી દે છે પણ પ્રજા અવાજ ઊઠાવતા પીછેહઠ નથી કરી. ટીકા અને દેખાવ કરી જવાબ આપ્યો. જવાબ અને ન્યાય માગ્યો. આ હિમ્મત બંધારણે આપી. અભિવ્યક્તિની આઝાદી બંધારણે આપી.
2.44 PM
અદાણીના નફાથી ચાલે છે ભાજપ સરકાર
પ્રિયંકાએ તેમના ભાષણમાં અદાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભાજપ સરકાર પણ અદાણીના નફાથી જ ચાલી રહી છે. અદાણીને ભાજપ સરકારે કોલ્ડ સ્ટોરેજ આપી દીધા. એક વ્યક્તિ માટે 142 કરોડ દેશવાસીઓની અવગણના કરી. બિઝનેસ, સંસાધન, પૈસા-ફંડ, બંદર, એરપોર્ટ, રોડ, રેલવે પ્રોજેક્ટ, કારખાના, ખાણ, સરકારી કંપનીઓ પણ અદાણીને આપી દીધી. એટલા માટે આજ સુધી જે ગરીબ છે તે ગરીબ જ રહ્યા અને જે ધનિક છે તે વધુને વધુ ધનિક બની ગયા.
2.15 PM
વડાપ્રધાન મોદી પર તાક્યું નિશાન
વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં પ્રિયંકા ગાંધીએક હ્યું કે પીએમ મોદી વેશ તો બદલે છે પણ પ્રજા વચ્ચે નથી જતા. તે અહીં બંધારણને માથે મૂકે છે પણ ન્યાયની માગ કરતા લોકો તરફ એમનુ ધ્યાન જ નથી. તે સમજી નથી શક્યા કે ભારતનું બંધારણ એ સંઘનો કાયદો નથી.
1.45 PM
શા માટે મહિલા શક્તિ કાયદાનો અમલ થતો નથી: પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે જાતિ ગણતરીની વાત થઈ રહી છે. શાસક પક્ષના સાથીદારે આનો ઉલ્લેખ કર્યો. આનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે આ પરિણામો ચૂંટણીમાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ છે જેથી આપણે જાણીએ કે કોની પરિસ્થિતિ શું છે. તેમની ગંભીરતાનો પુરાવો એ છે કે જ્યારે સમગ્ર વિપક્ષે ચૂંટણીમાં અવાજ ઉઠાવ્યો ત્યારે જાતિ ગણતરી કરાવવી જોઈએ. તો તેમનો જવાબ હતો – અમે ભેંસ ચોરશું, અમે મંગળસૂત્ર ચોરીશું. આ તેમની ગંભીરતા છે. તેમણે કહ્યું કે આપણા બંધારણે આર્થિક ન્યાયનો પાયો નાખ્યો છે. ખેડૂતો અને ગરીબોને જમીનનું વિતરણ કર્યું. પ્રિયંકાએ કહ્યું કે પહેલા જ્યારે સંસદ કામ કરતી હતી ત્યારે લોકોને આશા હતી કે સરકાર મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા કરશે. લોકો માનતા હતા કે જો નવી આર્થિક નીતિ બનાવવામાં આવશે તો તે અર્થતંત્રને મજબૂત કરવા માટે બનાવવામાં આવશે. ખેડૂતો અને આદિવાસી ભાઈ-બહેનોનું માનવું હતું કે જો જમીન કાયદામાં સુધારો કરવામાં આવશે તો તે તેમના કલ્યાણ માટે થશે. તમે સ્ત્રી શક્તિની વાત કરો છો. આજે ચૂંટણીના કારણે આટલી બધી વાતો થઈ રહી છે. કારણ કે આપણા બંધારણે તેમને આ અધિકાર આપ્યો છે. મતોને પોતાની સત્તામાં રૂપાંતરિત કર્યા. આજે તમારે સમજવું પડશે કે તેમના વિના સરકાર બની શકે નહીં. તમે લાવેલા મહિલા સશક્તિકરણ કાયદાનો અમલ કેમ નથી કરતા? શું આજની સ્ત્રી 10 વર્ષ સુધી તેની રાહ જોશે?
1.40 PM
તમે શું કર્યું એ બતાવો : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે અમારા મિત્રો મોટાભાગે ભૂતકાળની વાત કરે છે. ભૂતકાળમાં શું થયું. નેહરુજીએ શું કર્યું? અરે, વર્તમાનની વાત કરો. દેશને કહો. તમે શું કરી રહ્યા છો. તમારી જવાબદારી શું છે? સમગ્ર જવાબદારી જવાહરલાલ નેહરુની છે. આ સરકાર આર્થિક ન્યાયનું સુરક્ષા કવચ તોડી રહી છે. બેરોજગારી અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકોને આજે સંસદમાં બેઠેલી સરકાર શું રાહત આપી રહી છે? ઉદ્યોગપતિઓ માટે પણ કૃષિ કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. આ દેશના ખેડૂતો વાયનાડથી લલિતપુર સુધી રડી રહ્યા છે. આફત આવે ત્યારે કોઈ રાહત મળતી નથી. આજે આ દેશના ખેડૂતો ભગવાન પર ભરોસો રાખે છે. જે પણ કાયદાઓ બન્યા છે તે મોટા ઉદ્યોગપતિઓ માટે બનાવવામાં આવી રહ્યા છે. હિમાચલમાં સફરજનના ખેડૂતો રડી રહ્યા છે, કારણ કે એક વ્યક્તિ માટે બધું બદલાઈ રહ્યું છે.
1.30 PM
બંધારણ એક સુરક્ષા કવચ છેઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આપણા દેશના કરોડો નાગરિકોના સંઘર્ષમાં, તેમના અધિકારોને માન્યતા આપવા અને દેશ પાસેથી ન્યાયની અપેક્ષામાં આપણા બંધારણની જ્યોત પ્રજ્જવળીત થઇ રહી છે. મેં આપણા બંધારણની જ્યોત સળગતી જોઈ છે. આપણું બંધારણ એક સુરક્ષા કવચ છે, જે દેશવાસીઓને સુરક્ષિત રાખે છે. તે ન્યાયની ઢાલ છે. તે એકતાની ઢાલ છે. તે અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ છે. દુઃખની વાત એ છે કે મોટી મોટી વાતો કરનારા સત્તાધારી પક્ષના મારા સાથીઓએ છેલ્લા 10 વર્ષમાં આ રક્ષણાત્મક કવચને તોડવાનો પ્રયાસ કર્યો છે. બંધારણમાં આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયનું વચન છે, આ વચન રક્ષણાત્મક કવચ છે, જેને તોડવાનું કામ શરૂ થઈ ગયું છે. સરકાર લેટરલ એન્ટ્રી અને ખાનગીકરણ દ્વારા અનામતને નબળું પાડવાનું કામ કરી રહી છે. જો લોકસભામાં ચૂંટણીમાં સારા પરિણામો ન આવ્યા હોત તો તેમણે બંધારણ બદલવાનું કામ શરૂ કરી દીધું હોત. આ ચૂંટણીમાં તેમને ખબર પડી કે દેશની જનતા જ આ બંધારણને સુરક્ષિત રાખશે. આ ચૂંટણીમાં જીત અને હારતી વખતે અમને સમજાયું કે આ દેશમાં બંધારણ બદલવાની વાતો નહીં ચાલે.
1.20 PM
લોકસભામાં પ્રિયંકા ગાંધીએ પહેલીવાર ભાષણ આપ્યું
વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે આપણા દેશની હજારો વર્ષ જૂની પરંપરા સંવાદ અને ચર્ચાની રહી છે. ચર્ચા અને સંવાદની જૂની સંસ્કૃતિ છે. વિવિધ ધર્મોમાં પણ ચર્ચા, સંવાદ અને વાદ-વિવાદની સંસ્કૃતિ રહી છે. આ પરંપરામાંથી આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ એક અનોખી લડાઈ હતી, જે અહિંસા અને સત્ય પર આધારિત હતી. આઝાદી માટેની અમારી લડાઈ ખૂબ જ લોકશાહી રીતે લડાઈ હતી. જેમાં દરેક વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશની આઝાદી માટે દરેકે લડાઈ લડી. તે સ્વતંત્રતા સંગ્રામમાંથી એક અવાજ ઊભો થયો, જે આપણા દેશનો અવાજ હતો, તે અવાજ આપણું બંધારણ છે. તે હિંમતનો અવાજ હતો, આપણી આઝાદીનો અવાજ હતો અને એ પડઘાથી જ આપણું બંધારણ લખાયું હતું અને બન્યું હતું. આ માત્ર એક દસ્તાવેજ નથી. બાબા આંબેડકર, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ અને તે સમયના તમામ નેતાઓ આ બંધારણના નિર્માણમાં વર્ષો સુધી વ્યસ્ત રહ્યા. આપણું બંધારણ ન્યાય, અભિવ્યક્તિ અને આકાંક્ષાની જ્યોત છે જે દરેક ભારતીયના હૃદયમાં પ્રજ્વલિત છે. તેણે દરેક ભારતીયને એ ઓળખવાની શક્તિ આપી કે તેને ન્યાય મેળવવાનો અધિકાર છે. તે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે તે પોતાનો અવાજ ઉઠાવશે તો સરકારે તેની સામે ઝૂકવું પડશે. આ બંધારણે દરેકને સરકાર બનાવવા અને બદલવાનો અધિકાર આપ્યો છે.
1.14 PM
કોંગ્રેસે બંધારણ બદલવાનો પ્રયાસ કર્યો
રાજનાથ સિંહે આજે કોંગ્રેસને બાનમાં લેતાં આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે બંધારણમાં સુધારાઓ કર્યા છે. તમામ સુધારાઓનો ઉદ્દેશ સામાજિક કલ્યાણનો છે. અમે આર્ટિકલ 370 દૂર કરી જેથી ભારતની અખંડતા જળવાઈ રહે. અમે જીએસટી કાયદો બનાવ્યો, ટેક્સના દરો નિર્ધારિત કર્યા, લોકોનું જીવન સરળ બનાવ્યું. કોંગ્રેસની જેમ અમે ક્યારેય રાજકીય હિતો માટે બંધારણનો ઉપયોગ કર્યો નથી. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે, બંધારણમાં 17 વખત સંશોધન કરવામાં આવ્યા અને ઈન્દિરા ગાંધીએ 28 વખત ફેરફારો કર્યા. રાજીવ ગાંધીએ પણ 10 વખત સુધારાઓ કર્યા હતા. મનમોહન સિંહે પણ સાત વખત સંશોધન કર્યા હતા. પરંતુ આ સુધારાઓ ખોટી નીતિઓ લાગૂ કરવા માટે હતા, પ્રજાના કલ્યાણ માટે નહીં.
12.50 PM
‘કોંગ્રેસે અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું’
કોંગ્રેસે અવારનવાર અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું છે. તેમણે હંમેશા એક કમિટેડ જ્યુડિશિયરી, કમિટેડ બ્યૂરોક્રેસી અને કમિટેડ ઈન્સ્ટીટ્યૂશન બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના મોઢા પર બંધારણના સંરક્ષણની વાત શોભા આપતી નથી. 1973માં પણ તમામ બંધારણીય મૂલ્યોને અવગણી ત્રણ જજને દૂર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય જજનો વાંક એટલો જ કે, તેઓ સરકાર સામે ઝૂકવા તૈયાર ન હતા.
12.45 PM
ખિસ્સામાં માત્ર બંધારણની નકલો રાખીને દેખાડો કરે છે
રાજનાથ સિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, કોંગ્રેસના અમુક નેતા બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરી છે. તેમણે બાળપણથી આ જ શીખ્યું છે. કે, બંધારણને ખિસ્સામાં રાખીને ફરો. પરંતુ બાજપે બંધારણને માથા પર બેસાડ્યું છે. અમે કોઈપણ સંસ્થા સાથે છેતરપિંડી કરી નથી. બંધારણના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. બંધારણના મૂલ્યો, માર્ગો, સિદ્ધાંતો અમારા મન-વચન-અને કર્મમાં જોવા મળશે.
12.42 PM
રાજનાથ સિંહના વિપક્ષ પર આકરા પ્રહારો
રાજનાથ સિંહે વિપક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું કે, આજે બંધારણની રક્ષાની વાતો થઈ રહી છે. પરંતુ આપણે આ સમજવાની જરૂર છે કે, કોણે બંધારણનું અપમાન કર્યું છે અને કોણે સન્માન આપ્યું છે. 1976માં જસ્ટિસ એચઆર ખન્નાએ એક કેસમાં કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ અસંમતનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ખન્ના સ્વીકારવા તૈયાર ન હતા કે, કોઈ સરકાર દ્વારા નાગરિકો પાસેથી ન્યાય માંગવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હોય. અને તેમના આ સરકાર વિરૂદ્ધના ચુકાદાની તેમણે શું કિંમત ચૂકવી છે, તે ઈતિહાસ જાણે છે.
12.37 PM
આપણું બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનકારી : રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે આપણું બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનશીલ છે. આપણા બંધારણે આપણને સૌહાર્દ અને સમૃદ્ધિથી ભરપૂર સમાજના નિર્માણ માટે એક બ્લુ પ્રિન્ટ આપી છે. અહીં દેશની સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે જન્મની ઓળખથી કોઈ ફરક પડતો નથી. જ્યાં ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ બની શકે છે. આઝાદી પછી બંધારણની મૂળ ભાવનાને બાજુએ રાખવામાં આવી હતી. પરંતુ અમારી સરકારે આ વાત સાચા દિલથી સ્વીકારી છે.
12.30 PM
જ્યાં બંધારણ લાગુ નહોતું ત્યાં પણ અમે કરી બતાવ્યુંઃ રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકાર મહિલા સશક્તિકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. અમે નારી શક્તિ વંદન કાયદો પણ પસાર કર્યો છે. તેનાથી રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ વિચારસરણી હેઠળ અમારી સરકારે 2018માં નેશનલ બેકવર્ડ કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો હતો. સ્વતંત્ર ભારતમાં આવું પહેલીવાર બન્યું. અમે 2019માં બંધારણીય સુધારો કર્યો હતો, જેથી આર્થિક આધાર પર અનામત આપી શકાય. સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ માટેના તમામ પ્રયાસો આપણા બંધારણીય મૂલ્યો અને આદર્શોનું જીવંત સ્વરૂપ છે. અમે બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે એટલું જ નહીં, તેનો અમલ પણ કર્યો છે. આ દેશમાં એક રાજ્ય હતું જ્યાં બંધારણ લાગુ પડતું ન હતું. સંસદના કાયદાનો પણ અમલ થતો નહોતો. અમે ત્યાં પણ તેનો અમલ કર્યો છે. આજે આખો દેશ આ નિર્ણયના સકારાત્મક પરિણામો જોઈ રહ્યો છે. તાજેતરમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. હિંસાની એક પણ ઘટના બની નથી.
12.27 PM
આપણું બંધારણ કોઈ એક પક્ષની દેન નથીઃ રાજનાથ
કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઈ એક પાર્ટીએ બંધારણ નિર્માણની પ્રક્રિયાને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો. આપણું બંધારણ કોઈ એક પક્ષની દેન નથી. તે ભારતના લોકો દ્વારા, ભારતના લોકો માટે બનાવેલ દસ્તાવેજ છે. પશ્ચિમી સભ્યતામાં નાઈચ વોચમેન સ્ટેટનું કોન્સેપ્ટ છે. એટલે કે સરકારની જવાબદારી લોકોને સુરક્ષા પૂરી પાડવા સુધી મર્યાદિત હોવી જોઈએ. આપણા દેશમાં રાજધર્મની વાત થઈ છે. અહીં રાજા પણ રાજધર્મથી બંધાયેલા હતા. તેમની શક્તિઓ લોકોના કલ્યાણ માટે હતી. નબળા વર્ગોનું રક્ષણ કરવાની તેમના પર જવાબદારી હતી. જ્યારે આપણું બંધારણ નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આપણું બંધારણ નાગરિકોના સર્વાંગી વિકાસના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો નિર્દેશ આપે છે.
12.20 PM
લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા શરૂ
લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શરૂઆત કરતાં કહ્યું કે હવે દેશમાં રાજા-રાણીઓનું શાસન નથી અને ન તો બ્રિટિશ વ્યવસ્થા છે, પરંતુ લોકશાહી છે. આપણું બંધારણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. બંધારણે પ્રજાને નાગરિકનો દરજ્જો આપ્યો. લોકોને સરકાર પસંદ કરવાનો અધિકાર આપ્યો.
11.55 AM
રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
રાજ્યસભામાં મામલો બગડતાં ખડગે અને ધનખડ વચ્ચે તીખી ખટપટ થઇ હતી. આ દરમિયાન હોબાળાને ધ્યાનમાં રાખીને સોમવાર સુધી રાજ્યસભા સ્થગિત કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.
11:45 AM
રાજ્યસભામાં ભારે હોબાળો
રાજ્યસભામાં હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. સભાપતિ જગદીપ ધનખડ વિપક્ષ પર બગડ્યા હતા. તેમણે કહ્યું કે લાગે છે હું તમને બર્દાશ્ત નથી થતો પણ મારો સવાલ એ છે કે તમને આ ખેડૂતનો દીકરો સહન કેમ નથી થઇ રહ્યો? તેના પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષના રાજ્યસભામાં નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ તેમને એમની જ ભાષામાં જવાબ આપ્યો કે જો તમે ખેડૂતના દીકરા છો તો હું પણ શ્રમિકનો દીકરો છું.
11:30 AM
અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ
અલ્લાહાબાદ હાઈકોર્ટના જ શેખર કુમાર યાદવ સામે પણ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આજે 55 સાંસદોએ જજ સામે મહાભિયોગનો પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને સોંપ્યો હતો. કપિલ સિબ્બલની આગેવાનીમાં આ પ્રસ્તાવ અપાયો હતો.