બનાસકાંઠા: પ્રયાગરાજમાં હાલ મહાકુંભમેળો યોજાયેલો છે જેમાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતથી પણ અનેક શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા છે. મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં અમૃત સ્નાન વખતે એક દુ:ખદ ઘટના ઘટી અને મધરાતે મચેલી ભાગદોડમાં 30 જેટલા શ્રદ્ધાળુઓના જીવ ગયા જેમાં ગુજરાતના પણ એક વ્યક્તિ સામેલ છે. આ બધા વચ્ચે ગુજરાતના એક વ્યક્તિ ગુમ થયા હોવાની પણ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. કુંભમેળામાં શાહી સ્નાન દરમિયાન પરિવારથી વિખુટા પડેલા એક સભ્ય માટે આ પત્ર લખવામાં આવ્યો છે. ધાનેરાના 50 વર્ષના બાળકાભાઈ રબારી કુંભમેળામાં 29 તારીખે પરિવારથી વિખુટા પડી ગયા છે. યુપી વહીવટી તંત્રને જાણ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પરિવાર હાલ ચિંતિત છે. ધારાસભ્યે ગુજરાત સરકારને આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરતો પત્ર લખ્યો છે.
શું છે પત્રમાં
પત્રમાં જણાવાયું છે કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની રબારી બાળકાભાઈ લખમાભાઈ (50 વર્ષ) પરિવાર સાથે વહેલી સવારે કુંભમેળામાં સ્નાન કરીને 29 તારીખે સવારે 5 વાગે પરિવારથી વિખુટા પડી ગયા છે જેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પરિવારજનો દ્વારા યુપી પ્રશાસનને તેમના ફોટા, સાથે સંપૂર્ણ વિગતો આપી છે પરંતુ હજુ કોઈ ભાળ મળી નથી.
ભાગદોડમાં એક વ્યક્તિનું મોત
નોંધનીય ચે કે મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગમાં જે 30ના મોત તેમાંથી 25 લોકોની ઓળખ થઈ ચુકી છે. ગુજરાતના એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયું છે, તેની હાલ વિગત જાણવા મળી રહી છે. મહાકુંભમાં વિસનગરના કડાના પટેલ મહેશભાઈ નામના શ્રધ્ધાળુનું મોત થયું છે. મહેશ પટેલ સુરતથી તેમના સાળા સાથે મહાકુંભમાં ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહેશ પટેલને એટેક આવ્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. મહેશ સોમાભાઈ પટેલ નામના શ્રધ્ધાળુનું કયા કારણોસર મોત થયું તે હજું સુધી સ્પષ્ટ થઈ ચૂક્યું નથી. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે. મહેશ પટેલના અવસાનના સમાચારથી પરિવાર શોક મગ્ન બન્યો છે. તંત્ર હજુ મહેશ પટેલના મોતનું કારણ શું છે એ પુષ્ટિ કરી રહ્યું છે. પ્રયાગરાજથી મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામ લવાશે.