ભાવનગર : ગુજરાત સરકારે જન્મ મરણના દાખલા કાઢવામાં પણ 50 રૂપિયા નિયત કર્યા છે, જે મુદ્દે ભાવનગર મહાનગરપાલિકામાં રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપના નગરસેવક મેદાને આવ્યા પત્ર લખ્યો, ત્યારબાદ શાસક પક્ષે સફાઈ આપી, જ્યારે વિપક્ષે સામે આક્ષેપ કર્યા. જોકે, આ મુદ્દે નાગરિકોનો મત શું છે, આવો જાણીએ…
જન્મ-મરણના દાખલા મુદ્દે રાજકારણ ગરમાયું…
જન્મ મરણના દાખલા માટે ફી અંગે ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવક અને આરોગ્ય કમિટીના ચેરમેન રાજેશભાઈ પંડ્યાએ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં જન્મ મરણના દાખલાને લઈને, ખાસ કરીને મરણના દાખલામાં રૂ. 50 ફી ન હોવી જોઈએ તેવી માંગ કરી છે. આ સાથે ભાવનગર મનપા કચેરીએ લોકોની ભીડ થતી હોવાથી મહાનગરપાલિકાના 13 બોર્ડના 13 આરોગ્ય કેન્દ્ર પર જન્મ-મરણના દાખલા કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી છે.
નાગરિકોની વ્યથા અને માંગ : ભાવનગરમાં જન્મ-મરણના દાખલા કઢાવવા આવતા નાગરિકો સાથે વાતચીત કરી હતી. જેમાં જયરામ પરમારે જણાવ્યું કે, મેં બે વખત દાખલો કઢાવ્યો. જેમાં પહેલી વખત 50 રૂપિયા અને બીજી વખત 70 રૂપિયા આપ્યા છે. હું સવારનો ઉભો હતો, હવે વારો આવ્યો છે. સમયસર બારી ખોલતા નથી. અમારી વિનંતી છે કે અમારા વિસ્તારમાં પણ આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં આ સુવિધા આપવામાં આવે તો અમારે ધક્કા ખાવા પડે નહીં. હું લારી પર ઘંઘો કરુ છે તે મુકીને કલાકો સુુધી રાહ જોવી પડે છે.