‘ભાગેડું લગ્ન’ મામલે શું ગુજરાત સરકાર નવો કાયદો લાવશે?

By: nationgujarat
09 Dec, 2025
ગાંધીનગર: ગુજરાતમાં ભાગીને થતા લગ્ન મામલે પાટીદાર આગેવાનોએ સરકાર સામે રજૂઆત કરી છે. પાટીદાર સમાજના અગ્રણીઓ દિનેશ બાંભણિયા, પૂર્વીન પટેલ, વરુણ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. આ બેઠકમાં ભાગેડુ લગ્ન પ્રથામાં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ પાટીદાર સમાજે આ અંગે મંત્રણાઓ કરી હતી. આ બેઠક બાદ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, ભાગેડુ પ્રથા મુદ્દે કરેલી માંગણીઓમાંથી સરકારે મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કર્યો છે. સરકારે કાયદામાં ફેરફાર કરવાની હૈયાધારણા આપી છે. સરકારે જણાવ્યું છે કે, ખોટી રીતે લગ્ન કરનારાઓ સામે ફરિયાદ થશે. પોલીસ આવા લોકોના વરઘોડા કાઢશે.
નોંધનીય છે કે, આ માગણીનો મૂળ હેતુ એ છે કે યુવક-યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં, માતા-પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવી શકાય.

પાટીદાર સમાજની શું હતી માંગણી? 

દિનેશ બાંભણિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર ભાગેડુ લગ્નમાં માતા-પિતા સિક્યોર થાય એ રીતે કાયદો બનાવે તેવી માંગ હતી. સરકારે આજે અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયમાં આ મુદ્દે કાયદો બનાવવામાં આવશે. આ સાથે એમણે એમ પણ કહ્યું કે, મુખ્ય બાબત એ છે કે, દીકરી કે દીકરાના લગ્નની નોંધણી આધાર કાર્ડના સરનામા પર થાય. હિંદુ કે સ્પેશિયલ એક્ટમાં લગ્ન થાય તો પણ માતા-પિતાને વાંધો લેવાનો સમય આપવામાં આવે અને નોટિસ આપવામાં આવે. આ વાંધાઓની ખરાઈનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસરને સોંપવામાં આવે. સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણી ઓનલાઇન થાય.
આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, ગુજરાતભરમાં એક સ્કેમ ચાલી રહ્યો છે કે, તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્નોની નોંધણી કરવામાં આવી રહી છે. હાલ જ ગૃહમંત્રીએ અમારી હાજરીમાં ડીજી વિભાગ અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે, આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે અને તેની પર સુઓમોટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કાંઈપણ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે તેને રોકવામાં આવે. સરકારે અમને આશ્વાસન આપ્યું છે કે, આ કાયદો જલ્દીમાં જલ્દી બનશે.

Related Posts

Load more