India Flood Alert : ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 27 પ્રદેશો કુદરતી આપત્તિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. હિમાલય ક્ષેત્રમાં આવેલી 2500થી વધુ ગ્લેશિયર સરોવરો જોખમી સ્થિતિમાં છે, જ્યારે 400થી વધુ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. આ સરોવરો ફાટવાથી આવતા વિનાશક પૂરના જોખમનું મૂલ્યાંકન કરવાની ટેકનોલોજી તો બની ગઈ છે, પરંતુ લોકોના જાનમાલનું રક્ષણ કરવું હજુ પણ મોટો પડકાર છે. તાજેતરમાં નેપાળની ભોટેકોશી નદીમાં ગ્લેશિયર તળાવ ફાટવાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિના 261મા અહેવાલમાં જણાવાયું છે કે નદીના પટમાં ગેરકાયદે દબાણો અને યોગ્ય આયોજનના અભાવે પૂરનું નુકસાન સતત વધી રહ્યું છે.
ડૉ. રાધા મોહનદાસ અગ્રવાલની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે, નદી પટ અને પૂરના વિસ્તારોમાં થયેલા દબાણોને હટાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત માળખું તૈયાર કરવું જોઈએ. આવા તમામ દબાણવાળા વિસ્તારોનું મેપિંગ કરવામાં આવે જેથી જવાબદાર એજન્સીઓની જવાબદારી નક્કી કરી શકાય. પાણીના કુદરતી પ્રવાહને ફરી શરૂ કરવા માટે આ દબાણો દૂર કરવા જરૂરી છે. આ સાથે શહેરોમાં જળબંબાકાર અટકાવવા માટે યોગ્ય ડ્રેનેજ માસ્ટર પ્લાન અને કટોકટી વ્યવસ્થાપન પ્રોટોકોલ તાત્કાલિક લાગુ કરવા સૂચન કરાયું છે.
કેન્દ્રીય જળ આયોગે ગ્લેશિયલ સરોવરો પર નજર રાખવા માટે પોતાની ક્ષમતા વધારી છે. આ માટે ગૂગલ અર્થ એન્જિન આધારિત એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોનું આપમેળે વિશ્લેષણ કરીને સરોવરોના કદ અને પાણીના પ્રવાહના માર્ગોનું ચોક્કસ માપન કરે છે. ગ્લેશિયર ફાટવાની સ્થિતિમાં સંભવિત નુકસાનનો અંદાજ લગાવવા આ નકશાઓ તમામ સંબંધિત રાજ્યો અને સંસ્થાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
AIની મદદથી પૂરનું પૂર્વાનુમાન
કેન્દ્રીય જળ આયોગ દર મહિને એક વિગતવાર મોનિટરિંગ રિપોર્ટ તૈયાર કરે છે અને સંવેદનશીલ રાજ્યોને જરૂરી સલાહ આપે છે. ભારતીય હિમાલય ક્ષેત્રના અત્યંત જોખમી સરોવરોની ઓળખ કરીને તેમનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. AI અને સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી પૂર આવવાની શક્યતાઓનું અગાઉથી અનુમાન લગાવીને લોકોને ચેતવણી આપવાની કામગીરી મજબૂત બનાવાઈ રહી છે.