Chinese Lights vs Clay Diyas: દિવાળી સહિતના મોટા તહેવારો નજીક આવતાં જ બજારમાં ‘લોકલ ફોર વોકલ’ના નારાઓ ગુંજવા લાગે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઝગમગાટ છવાયેલી ચાઇનીઝ સીરીઝો અને લાઇટ્સ હવે ભારતીય ઘરોમાં ઘર કરી ગઈ છે. આધુનિકતાના આ યુગમાં પરંપરાગત માટીના દીવા પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એક સમય હતો જ્યારે દિવાળીના પર્વે ઘર-આંગણે માટીના કોડિયાં પ્રગટાવવાની ભારે માગ રહેતી હતી, પરંતુ આજે ચાઇનીઝ લાઇટ્સ સામે આ સદીઓ જૂની પરંપરા ધીમે ધીમે ઓસરતી દેખાઈ રહી છે.
ચાંદલોડિયાના કુંભારવાડામાં ચાલી રહ્યો છે અનોખો યજ્ઞ
આ પરિસ્થિતિ વચ્ચે પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ચાંદલોડિયાના કુંભારવાડામાં કુંભાર પરિવાર દિવસ-રાત એક કરીને માટીના દિવડા બનાવવામાં વ્યસ્ત છે. નદી કિનારેથી માટી લાવી, તેને યોગ્ય રીતે ગુંદીને ચાકડા પર આકાર આપવાની આ પ્રક્રિયા અત્યંત મહેનત માગી લે છે. કુંભારો માટે આ ચાકડો માત્ર માટી ફેરવવાનું સાધન નથી, પણ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય ચક્ર છે.
આસ્થા અને પરંપરા હજુય જીવંત
ચાઇનીઝ પ્રોડક્ટ્સના આક્રમણ છતાં, આજે પણ સમાજમાં એવો એક વર્ગ છે જે દિવાળીના પવિત્ર દિવસે માટીના કોડિયામાં જ દીવો પ્રગટાવવાને શ્રેષ્ઠ અને શુભ માને છે. આ શ્રદ્ધાળુઓના કારણે જ માટીના વાસણો અને કોડિયાનો આ દેશી વ્યવસાય આજે ‘ઓક્સિજન’ પર પણ શ્વાસ લઈ રહ્યો છે.
કુંભારોનો ચાકડો થંભી ન જાય તે આપણી સૌની જવાબદારી
ચીજવસ્તુઓની આડમાં આપણી સંસ્કૃતિ પર હાવી થતી ચાઇનીઝ લાઇટોને બદલે જો આપણે માટીના દિવડા ખરીદીએ, તો કોઈ ગરીબ પરિવારના ઘરમાં પણ સાચા અર્થમાં દિવાળીનો પ્રકાશ પથરાઈ શકે છે. આજના તહેવારોમાં લોકલ કારીગરોને ટેકો આપીને તેમના ચાકડાનું ચક્ર ચાલતું રાખવું એ માત્ર પરંપરા જાળવવાનો પ્રશ્ન નથી, પણ આપણી સામાજિક જવાબદારી પણ છે.