ગુજરાતના જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલના પત્રકાર દીર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ બાદ તેના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. આ દરમિયાન આજે 29 ઓક્ટોબરે દીર્ઘાયુ વ્યાસે અમદાવાદમાં કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે આરોપીની કસ્ટડી પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. હવે 30 ઓક્ટોબરે ક્રાઇમ બ્રાન્ચ દીર્ઘાયુ વ્યાસને કોર્ટમાં રજૂ કરી શકે છે.
પત્રકાર દીર્ઘાયુ વ્યાસનું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ
ક્રાઇમ બ્રાન્ચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને અગ્રણી મીડિયા હાઉસની વેબસાઈટમાં કામ કરતા દીર્ઘાયુ વ્યાસ નામના પત્રકારે રૂ. 10 લાખ પડાવી લેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત તેની સામે નિકોલમાં રિવોલ્વર બતાવીને PSI તરીકેની ખોટી ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની તેમજ એરપોર્ટ પોલીસ સ્ટેશન પર વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. દીર્ઘાયુ વ્યાસ સામે અનેક ફરિયાદો નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, હવે તેણે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું છે. દીર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી, ખંડણી અને ધમકી સહિતની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ હજુ 10થી વધુ અરજી પર ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ મથકોમાં તપાસ કરાઈ રહી છે. દીર્ઘાયુ વ્યાસનું બિટકોઇન, યુએસડીટી અને ડબ્બા ટ્રેડિંગના નામે કરાતા કરોડોના કૌભાંડમાં પણ નામ સામે આવ્યું છે. આ અંગે અરજી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ આ કેસમાં એક આઇપીએસના વહીવટદારનું નામ ખૂલતા કેટલાક અધિકારીઓ આ કેસને દબાવવા માટે અરજદાર પર દબાણ કરતા હોવાનું પણ કહેવાય છે.