Vikaram Thakor Samaj Sammelan: ગુજરાતમાં ફરી એકવાર ડીજે વગાડવા મુદ્દે મામલો ગરમાયો છે. ઠાકોર સમાજના સંમેલનમાં સામાજિક સુધારા અને વ્યસનમુક્તિના અભિયાન વચ્ચે તાજેતરમાં ‘ડીજે’ વગાડવાનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. આ પ્રસંગે ગુજરાતી લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે થયેલી વાતચીતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વિક્રમ ઠાકોરની લાગણીશીલ રજૂઆત
કાર્યક્રમમાં ગુજરાતી લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સ્ટેજ પરથી સમાજના આગેવાનોને સંબોધતા ડીજેના મુદ્દે ફેરવિચારણા કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના કુરિવાજો દૂર કરવા માટે જે બંધારણ ઘડાયું છે તે આવકાર્ય છે, પરંતુ ડીજે પરના સંપૂર્ણ પ્રતિબંધને કારણે અનેક ગરીબ પરિવારોની રોજીરોટી પર અસર પડી રહી છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, “ડીજેવાળાઓનું પણ ઘર ચાલે અને તેમનું ગુજરાન ન અટકે તેવો કંઈક મધ્યમ માર્ગ કાઢવા માટે વિચાર કરજો.”
ગેનીબેનનો સ્પષ્ટ અને સચોટ જવાબ
વિક્રમ ઠાકોરની આ રજૂઆત પર વળતો જવાબ આપતા ગેનીબેન ઠાકોરે મક્કમતાથી જણાવ્યું હતું કે, આ નિયમો કોઈ એક વ્યક્તિએ લાદેલા નથી. તેમણે કહ્યું કે આ સામાજિક બંધારણ મેં એકલાએ નથી બનાવ્યું, પરંતુ સમગ્ર ઠાકોર સમાજે ભેગા મળીને સર્વાનુમતે ઘડ્યું છે. હાલમાં આ નિયમો અમલી છે. જ્યારે આ નવા બંધારણને એક વર્ષ પૂર્ણ થશે, ત્યારે સમાજની બેઠક બોલાવીને ડીજેના વિષય પર ફરીથી વિચાર કરવામાં આવશે.
જાગો ઠાકોર સમાજ’ ગીતથી ગુંજ્યું મેદાન
આ મહાસંમેલનમાં વિક્રમ ઠાકોરે ખાસ સમાજ માટે તૈયાર કરેલું “જાગો ઠાકોર સમાજ” શીર્ષક ધરાવતું ગીત રજૂ કર્યું હતું. આ ગીતના માધ્યમથી તેમણે સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા, કુરિવાજોનો ત્યાગ કરવા અને સુધારાના માર્ગે આગળ વધવાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ સંમેલન બાદ સોશિયલ મીડિયા પર પણ ડીજે અને સામાજિક સુધારાને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ યુવા વર્ગ અને ડીજે સંચાલકો વિક્રમ ઠાકોરની વાતને ટેકો આપી રહ્યા છે, તો બીજી તરફ વડીલો સામાજિક શિસ્ત માટે ગેનીબેનના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે.