“જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી”! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો

By: Nation Gujarat Team
21 Oct, 2026

Gandhinagar News: ગુજરાતના સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવતી સરકારના પોતાના જ વહીવટી તંત્રમાં સલામતીના ધજાગરા ઉડી રહ્યા છે. ગુજરાતમાં લિફ્ટની સલામતી અને તેના નિયમન અંગે સરકાર ગમે તેટલા મોટો મોટા દાવા કરે, પરંતુ જમીની હકીકત ચોંકાવનારી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ એમ કે દાસ જે લિફ્ટમાં અવરજવર કરે છે તે પણ સલામત નથી.

ગુજરાતભરમાં 24,000થી વધુ લિફ્ટના લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે એક એવો ખુલાસો થયો છે જે ઉડીને આંખે વળગે તેવો છે, જેના કારણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મુખ્ય સચિવ સુધીના ઉચ્ચ અધિકારીઓ જે લિફ્ટમાં રોજ અવરજવર કરે છે, તે લિફ્ટો પણ સુરક્ષિત નથી અને તેના લાઇસન્સ પણ રિન્યુ કરાયા નથી. હવે જો રાજ્યના સીએમ જ્યાં બેસે છે, ત્યાં આવી હાલત હોય તો સામાન્ય માણસનું શું કહેવું?

સ્વર્ણિમ સંકુલથી લઈને સચિવાલય સુધી સુરક્ષાના ધજાગરા ઉડ્યા
સામાન્ય રીતે નિયમ એવો છે કે દર પાંચ વર્ષે લિફ્ટનું લાયસન્સ રિન્યુ કરાવવું પડે છે અને તેનું યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે. પરંતુ, આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જે સરકાર પર છે, તે જ સરકારના મુખ્ય મથક સચિવાલયમાં નિયમોની બેદરકારી ખુલ્લેઆમ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટના મંત્રીઓ જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-1 ની લિફ્ટના લાયસન્સ પણ રિન્યુ કરવામાં આવ્યા નથી.

રાજ્ય સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો જે સ્વર્ણિમ સંકુલ-2 માં બેસે છે, ત્યાંની લિફ્ટોની સ્થિતિ પણ તદ્દન સમાન છે. રાજ્યના વહીવટી વડા અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સચિવાલયના બ્લોક નંબર-1 માં પાંચમા માળે બેસે છે. તેઓ નિયમિતપણે જે લિફ્ટમાં અવરજવર કરે છે, તેનું પણ લાયસન્સ રિન્યુ કરાયું નથી.

બેદરકારી છુપાવવા માટે ચાલી રહ્યો છે અજીબોગરીબ ખેલ
આ સમગ્ર મામલામાં સૌથી મોટો શંકાસ્પદ ખુલાસો એ થયો છે કે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા બેદરકારી છુપાવવા માટે અજીબોગરીબ રસ્તો અપનાવવામાં આવ્યો છે. સામાન્ય નિયમ મુજબ લિફ્ટની અંદર લાયસન્સ સર્ટિફિકેટ પ્રદર્શિત કરવું ફરજિયાત હોય છે. જો જૂનું લાયસન્સ રાખવામાં આવે તો તે સમય વિતી ગયાનું સ્પષ્ટ દેખાઈ આવે.

આ વાત છુપાવવા માટે આ તમામ વીવીઆઈપી લિફ્ટોમાંથી જૂનું લાયસન્સ કાઢી નાખીને તે જગ્યા તદ્દન ખાલી રાખી દેવામાં આવી છે, જેથી કોઈનું ધ્યાન ન જાય. આ લાપરવાહી સીધી રીતે જ સુરક્ષા પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે.

સામાન્ય સોસાયટીઓ, હોસ્પિટલો કે મોલની લિફ્ટોની સ્થિતિ કેટલી જોખમી હશે?
ગુજરાતમાં લિફ્ટના લાયસન્સ રિન્યુ કરવાની અને દેખરેખ રાખવાની જવાબદારી સરકારની જ હોય છે. તેમ છતાં કોઈને કોઈ કારણસર આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે આખા રાજ્યનું વહીવટી તંત્ર ચલાવતા મુખ્ય બિલ્ડિંગમાં જ આ હાલત હોય, તો સામાન્ય સોસાયટીઓ, હોસ્પિટલો કે મોલની લિફ્ટોની સ્થિતિ કેટલી જોખમી હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.

સચિવાલય અને વીવીઆઈપી સંકુલમાં જ લિફ્ટના લાયસન્સ ન હોવાનો મામલો સામે આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે સરકાર તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
આ ગંભીર મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે તમામ લિફ્ટ માટે તાત્કાલિક અસરથી ઇન્સ્પેક્શન કરી ચેકિંગ કરવાનો આદેશ આપી દીધો છે. સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2 માં લાયસન્સ ન હોવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ય જગ્યાઓની જેમ અહીં પણ જો લાઇસન્સ નહીં હોય, તો નિયમો અનુસાર તાત્કાલિક અસરથી કડક પગલાં ભરવામાં આવશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score