Chaitar Vasava MLA Seat: દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ મોટી કાયદાકીય મુસીબતોમાં ફસાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટનો ઓર્ડર હવે ગુજરાત વિધાનસભા સચિવાલય સુધી પહોંચી ગયો છે. આ કાયદાકીય ગતિવિધિના કારણે રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે કે કેમ, તેના પર અટકળો તેજ બની છે.
સેશન્સ કોર્ટનો ઓર્ડર વિધાનસભા મોકલાયો
સેશન કોર્ટનો સત્તાવાર ઓર્ડર મળ્યા બાદ હવે આગળની પ્રક્રિયા શરૂ થઈ છે. વિધાનસભાના લીગલ વિભાગે હાલમાં કોર્ટના ઓર્ડરના આધારે સજા અંગેની દરખાસ્ત અને રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ રિપોર્ટ ટૂંક સમયમાં જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે.
કોર્ટના ઓર્ડર અને લીગલ વિભાગના રિપોર્ટ પર ઊંડી ચર્ચા થયા બાદ, વિધાનસભા અધ્યક્ષ ધારાસભ્ય પદ રદ કરવા અંગે આખરી નિર્ણય લેશે. ત્યાર બાદ જ બાદ દેડિયાપાડા બેઠક ખાલી પડ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નિયમ મુજબ, જો કોઈ ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય, તો તેમનું સભ્યપદ રદ થવાની કાયદાકીય જોગવાઈ છે. ચૈતર વસાવા સામેની આ વર્તમાન કાયદાકીય પ્રક્રિયા તેમના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.