ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કારણ કે યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધિયા છે. જેના કારણે 500થી વધુ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. જેના પગલે NSUIના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં માટલા ફોડ્યામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં માટલા લઈને પહોંચ્યા હતા.
વાઇસ ચાન્સેલરને માટલા આપી ઉગ્ર રજૂઆત કરી. NSUI એ રજૂઆત કરી કે યુનિવર્સિટીની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ રાખવામાં આવે છે. જેનાથી રાત્રી દરમિયાન વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. સાથે જ અત્યારે શિયાળામાં ગરમ પાણીની સુવિધાઓ હોવી જોઈએ તે નથી અને વિદ્યાર્થીઓ જો ગરમ પાણી કરવાનું હીટર લઈને આવે તો હીટર લઈ લેવામાં આવે છે. તો હોસ્ટેલમાં 24 કલાક પાણી આપવાની રજૂઆત કરી છે.
બીજી તરફ હોસ્ટેલમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ રાખવામાં આવતું હોવાનો વાઇસ ચાન્સેલરએ સ્વીકાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં જે પાણીની ટાંકી છે તે નાની છે. જેથી બીજી ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ વ્યવસ્થા ઝડપથી થશે એટલે વધુ પાણી આવશે. અત્યારે હોસ્ટેલ સિવાયના બિલ્ડીંગ અને વીસી બંગલોમાં પણ રાત્રે પાણી નથી આવતું. જેવી બીજી ટાંકીની વ્યવસ્થા થશે એટલે પાણી મળશે. બીજું ગરમ પાણી માટે સોલારની પણ વ્યવસ્થા કરવામાં આવશે.