ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોને અચાનક દુબઈ મોકલવામા આવી જાણો કારણ

By: nationgujarat
01 Mar, 2025

ચેમ્પિયન્સ ટ્રૉફી હવે ધીરે-ધીરે પોતાના મહામુકબલા તરફ આગળ વધી રહી છે. રવિવારે ગ્રૂપ સ્ટેજની અંતિમ મેચ રમાશે અને ત્યારબાદ 4 માર્ચથી સેમિફાઇનલ રાઉન્ડની શરુઆત થઈ જશે. સેમિફાઇનલ મેચ માટે ICCએ ગ્રૂપ-બીની ટીમો માટે ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ગ્રૂપ-એથી ભારત અને ન્યૂઝીલૅન્ડે સેમિફાઇનલ માટે ક્વાલિફાય કર્યું છે, જ્યારે ગ્રૂપ-બીથી ઓસ્ટ્રેલિયન ટીમે ક્વોલિફાય કર્યું છે, જ્યારે કેટલીક હદ સુધી દક્ષિણ આફ્રિકાના ક્વોલિફાય થવાની સંભાવના છે.

ભારત પોતાની સેમિફાઇનલ મેચ દુબઈમાં રમશે, જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં રમાશે. જો કે, હજુ સુધી એ નક્કી નથી થઈ શક્યું કે કઈ ટીમ સેમિફાઇનલમાં કોની સામે ટકરાશે. તેવામાં આઇસીસીએ ગ્રૂપ-બી ની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોને દુબઈ મોકલવાનો નિર્ણય લીધો છે, જેથી ભારત વિરુદ્ધ મેચ માટે તેમને વધુમાં વધુ તૈયારી કરવાનો મોકો મળી શકે.

સેમિફાઇનલની તૈયારી માટે આઇસીસીનો નિર્ણય

જો કે, શનિવારે ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાયા બાદ ગ્રૂપ-બીના પોઇન્ટ ટેબલ નક્કી થઈ જશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનું સ્થાન નક્કી થઈ જશે. આ મેચ કોની વચ્ચે રમાશે તે નક્કી રવિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચ બાદ જ ખબર પડશે.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મેચથી ટેબલ ટૉપરનો નિર્ણય થશે. ગ્રૂપ-એમાં ટોચ પર રહેનારી ટીમનો મુકાબલો ગ્રૂપ-બીમાં બીજા સ્થાન પર રહેનારી ટીમ સાથે થશે, જ્યારે ગ્રૂપ-એના બીજા સ્થાન પર રહેનારી ટીમનો મુકાબલો ગ્રૂપ-બીમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સાથે થશે.

તેવામાં આઇસીસી ગ્રૂપ-બીની ટીમોની તૈયારીને લઈને કોઈ ખામી રાખવા નથી માગતું. એટલા માટે બંને ટીમોને દુબઈ મોકલવામાં આવશે અને ભારત-ન્યૂઝીલૅન્ડ મેચ બાદ એક ટીમ દુબઈમાં ભારતનો સામનો કરવા માટે રોકાશે, જ્યારે બીજી ટીમ ન્યૂઝીલૅન્ડનો સામનો કરવા માટે લાહોર પહોંચી જશે. જો ભારત સેમિફાઇનલમાં જીતે છે તો ફાઇનલ દુબઈમાં જ રમાશે. એવું ન થાય તો ફાઇનલ લાહોરમાં રમાશે.

4 માર્ચે સેમિફાઇનલ મેચ રમશે ભારત

ભારત પોતાની સેમિફાઇનલ મેચ 4 માર્ચે દુબઈમાં રમશે. ત્યારે, બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરમાં રમાશે. અફઘાનિસ્તાન સામે મેચ બાદ ઓસ્ટ્રેલિયા પહેલા જ દુબઈ માટે રવાના થઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ઇંગ્લૅન્ડ સામે મેચ બાદ કરાચીથી રવાના થશે.


Related Posts

Load more