હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસર પામનાર 11 ગામોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ 11 ગામોમાં લગ્નપ્રસંગમાં ભાજપના નેતાઓને નહીં બોલાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ ભાજપના નેતા દેખાશે ત્યાં વિરોધ કરવામાં આવશે.
કયા કયા ગામોનો વિરોધ
હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસરગ્રસ્ત 11 ગામો હડિયોલ, કાંકણોલ, નવા, જેઠીપુરા, પરબડા, સવગઢ, પીપલોદી, બેરણા, ઇલોલ, બોરિયા અને કાટવાડ ગામના લોકો દ્વારા વિવિધ રીતે હુડાનો વિરોધ કરાઇ રહ્યો છે.
સમિતિ દ્વારા 13 નવેમ્બરે બંધની જાહેરાત
હુડા સંકલન સમિતિ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન અપાયું છે. હુડા સંકલન સમિતિ અને 11 ગામના ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે આ બંધમાં જોડાવવા માટે અને એક દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વિનંતી કરાઇ છે. અમારો એક જ ઉદેશ્ય છે કે, હુડાને રદ કરવામાં આવે અને જ્યાં સુધી હુડાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તેનો વિરોધ કરતાં રહીશું.
નેતાઓ પર લોકોનો રોષ ઉતર્યો
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે ત્યારે હુડા આંદોલનનો રોષ ભાજપના નેતાઓ પર નીકળ્યો છે. લગ્નોની સીઝનમાં જ હૂડા આંદોલન સમિતિએ લગ્ન પ્રસંગોમાં ભાજપના નેતાઓનેન બોલાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ખેડૂતોને તેની જાણકારી આપી છે અને ભાજપના નેતાઓ જો દેખાશે તો સ્થળ ઉપર વિરોધ કરવામાં આવશે.
નેતાનો ઘેરાવ કરાયો
હુડા આંદોલન સમિતિનો ભોગ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રાજુ પંચાલ બન્યા હતા. લોકોએ તેમના ગામમાંથી હુડાના કારણે રવાના કર્યા હતા. સમિતિના નિયમો ભાજપને ભારે પડી શકે છે. આંદોલન સમિતિએ વર્તમાન લગ્નની સીઝનમાં હૂડામાં સમાવાયેલ ૧૧ ગામોમાં જે પણ ખેડૂતના ઘરે લગ્ન પ્રસંગ હોય તો કોઈપણ ભાજપના નેતાને બોલાવવા નહીં, જો કોઈપણ ભાજપના નેતા લગ્ન પ્રસંગમાં જોવા મળશે તો જાહેરમાં વિરોધ કરવાની ચીમકી આપી છે.
આમ, હિંમતનગરમા હુડા આંદોલન ભાજપને ભારે પડી શકે છે. આગળ જતા સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેની અસર વર્તાઈ શકે છે.
HUDAની કામગીરીથી 40 ટકા જમીન કપાતમાં જશે: ખેડૂતો
હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે. ત્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા હાથમાં બેનર્સ અને પોસ્ટર લઈને આંદોલન પર ઉતર્યા છે.