આસારામ વિરૂદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા સહિત હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને નોઈડા, ઉત્તરપ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 વર્ષે ઝડપી પાડ્યો છે. અનેક રાજ્યની પોલીસ આરોપીને શોધી રહી હતી. આરોપી પોલીસ પકડ દૂર રહેવા માટે પોતાની ઓળખ છૂપાવવા માટે ધર્મ પરિવર્તન કર્યો હતો. આરોપીએ આસારામ અને નારાયણ સાંઈને મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જ્યારે આરોપી તામરાજ પર 50000નું ઈનામ રાખવામાં આવ્યું હતું.
આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી પર જીવલેણ હુમલો કરનારો આરોપી ઝડપાયો
આસારામ સામે દુષ્કર્મના કેસમાં સાક્ષી પર જીવલેણ હુમલો કરનાર આરોપી તામરાજ અંતે 10 વર્ષે ઝડપાયો છે. આરોપીને શોધી કાઢવા માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણાની પોલીસ તપાસ કરી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને તામરાજને ઉત્તરપ્રદેશના નોઈડામાંથી ઝડપી પાડ્યો છે. ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપીએ પોતાની ઓળખ છૂપાવવા માટે ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો. જ્યારે આસારામ વિરૂદ્ધમાં અવાજ ઉઠાવનારા લોકોને તે ટાર્ગેટમાં રાખતો હતો.
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘તામરાજ પર 50 હજારનું ઈનામ હતું. તામરાજે આસારામ અને નારાયણ સાંઈને જેલમાં મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આરોપીને ઝડપી પાડવાને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા છ મહિનાથી કામગીરી ચાલી રહી હતી. પોલીસે આરોપી પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ કબજે કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.’
આસારામ તથા નારાયણ સાંઈ વિરૂદ્ધમાં ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે સાક્ષીઓએ કોર્ટમાં નિવેદન આપવાનું નક્કી કર્યું. આ પછી આસારામ-નારાયણના સાધકોમાં કાર્તિક, તામરાજ સહિતના શખ્સોએ ખાનગી મિટિંગ રાખીને સિન્ડિકેટ બનાવી હતી અને ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ વિવિધ રાજ્યોમાં આસારામ-નારાયણ વિરૂદ્ધમાં ફરિયાદી કરનારા અને સાક્ષીઓ પર આરોપીઓએ જીવલેણ હુમલા કરવાનું શરૂ કર્યું હતું.