અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર

By: nationgujarat
25 Dec, 2025

Jewellery Theft In Ahmedabad: અમદાવાદના જમાલપુર દરવાજા વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરીની દુકાનમાં નજર ચૂકવીને મોટી ચોરી થવાની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા શખસોએ વેપારીની નજર ચૂકવી લાખોની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

100થી 110 ગ્રામની ચૂનીના સાત પેકેટની ચોરી

અમદાવાદના શાહપુર દરવાજા પાસે રહેતા 63 વર્ષીય સુમનકુમાર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે છેલ્લા 38 વર્ષથી માલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર પાસે આવેલી ‘સુમન જ્વેલર્સ’ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. ત્યારે 10/12/2025ના રોજ જ્યારે તે પોતાની દુકાને હાજર હતા, ત્યારે એક અજાણ્યો પુરુષ, બે અજાણી મહિલાઓ અને એક આશરે 10 વર્ષનું બાળક તેમની દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન પુરુષે વેપારીની નજર ચૂકવીને શોકેસમાં રાખેલા સોનાની 100થી 110 ગ્રામની કાટી (ચૂની)ના સાત પેકેટની ચોરી કરી હતી. જેની કિંમત આશરે 9,00,000  રૂપિયા છે.

ગત 10મી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે સુમનકુમાર દુકાને હાજર હતા અને તેમનો દીકરો કામથી ઘરે ગયો હતો. બપોરે 12:10 વાગ્યે એક શખસ તેની સાથે બે મહિલાઓ અને એક બાળક સાથે દુકાનમાં આવ્યો અને ચાંદીનું છત્ર બતાવવા કહ્યું હતું. અંદાજે 10 મિનિટ સુધી ચાંદીના છત્રના ભાવની રકઝક કર્યાં બાદ કંઈ પણ ખરીદ્યા વગર આ ટોળકી દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી.

આ ચોરીની જાણ વેપારીને છેક 24મી ડિસેમ્બરના રોજ સાંજે સાત વાગ્યે થઈ, જ્યારે એક ગ્રાહક સોનાની કાટી (ચૂની) લેવા માટે આવ્યો હતો. સ્ટોક તપાસતા કાટી (ચૂની)ના એક પેકેટમાં 24 નંગ હોય એવા 7 પેકેટ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે, ગત 10મી ડિસેમ્બરે આવેલો અજાણ્યો શખસ વેપારીની નજર ચૂકવીને શોકેસમાંથી પેકેટ ચોરી રહ્યો હતો. હાલમાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કર્યાં છે.


Related Posts

Load more