અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, કાર્ડિયાક એરેસ્ટની આશંકા

By: nationgujarat
10 Jan, 2025

Ahmedabad News: અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક અનુમાન અનુસાર, બાળકીનું કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) ના કારણે મોત થયું હોય શકે છે.

હાલ, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઘટના અંગે ઝેબર સ્કૂલના આચાર્યએ શું કહ્યું?

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાના જણાવ્યા અનુસાર, ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી ગાર્ગી તુષાર રાણપરાનું મોત થયું છે. અમે સીસીટીવી રેકોર્ડિંગમાં જોયું કે, દરરોજ બાળકી જે રીતે આવતી હતી તેમ જ શાળામાં આવી હતી. તે તેના પહેલા માળ પર આવેલા ક્લાસમાં જઈ રહી હતી. તે દરમિયાન તે ધીરે ધીરે ચાલી રહી હતી. દરમિયાન તે ત્યાં રહેલી ખુરશીમાં બેસી ગઈ અને તે ધીરે ધીરે નીચે આવવા લાગી હતી. શિક્ષકોએ જ્યારે આ જોયું ત્યારે એની પાસે દોડી ગયા હતા.

જોઈને લાગ્યું કે, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલે અમે તેને સીપીઆર આપ્યું. જે બાદ 108ને ફોન કર્યો. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી અમે તેને સ્ટાફની ગાડીમાં સારવાર માટે લઇ ગયા હતા. અમે તેને ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેઓએ તપાસીને કહ્યું કે, તેને કાર્ડિઆક અરેસ્ટ આવ્યો છે એટલે આઈસીયુમાં દાખલ કરવામાં આવી પરંતુ અંતે તેનું મોત થઇ ગયું.

‘બાળકીના પેરેન્ટ્સ મુંબઈ રહે છે’

બીજી તરફ, બાળકીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે. તેથી તેની માતા પણ હાલ ત્યાં જ હતા. જોકે, અમે ફોન કરતા તેના દાદા અને ફોઇ પહેલાં જ ત્યાં આવી ગયા હતા.


Related Posts

Load more