સુરત મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ‘વિકસિત ભારત-2047’ ના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ ઝુંબેશ છેડવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 2.5 લાખ (અઢી લાખ) બાળકોનો વ્યાપક પ્રી-સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ડેટાના વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ 52,000 જેટલા બાળકો એવા છે જેમના શિક્ષણ પર જોખમ છે અથવા તો તેઓ ‘સંવેદનશીલ’ શ્રેણીમાં આવે છે. આ બાળકોએ કાં તો શાળાએ જવાનું બંધ કરી દીધું હતું અથવા તો તેઓ આગળના ધોરણમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં બાળકો શિક્ષણથી વંચિત રહે તે ભવિષ્ય માટે ચિંતાજનક હોવાથી તંત્રએ તાત્કાલિક અસરથી ડોર-ટુ-ડોર સર્વે શરૂ કર્યો હતો.
સામાન્ય રીતે મે મહિનામાં શાળાઓમાં વેકેશન હોય છે અને શિક્ષકો રજા પર હોય છે, પરંતુ સુરતમાં સ્થિતિ અલગ જોવા મળી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકોની ટીમે પોતાના વેકેશનનો ભોગ આપીને પણ સેવાનું કામ કર્યું છે. આ ટીમોએ 52,000 બાળકોના ઘરે-ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. જે વાલીઓ આર્થિક કે સામાજિક કારણોસર પોતાના બાળકોને ભણાવવા માંગતા ન હતા, તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ મહેનતને પરિણામે જ હજારો બાળકોને શિક્ષણની મુખ્યધારામાં પરત લાવી શકાયા છે. મનપા કમિશનર એમ. નાગરાજન આ અભિયાન વિશે વધુમાં જણાવે છે કે, “નવી પેઢીનું નિર્માણ માત્ર અને માત્ર શિક્ષણથી જ શક્ય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સુરતનો કોઈપણ દીકરો કે દીકરી શિક્ષણથી વંચિત ન રહે. ખાસ કરીને એવા 3,168 કેસ જેમાં વાલીઓ ખૂબ જ મક્કમ હતા કે તેઓ બાળકને શાળાએ નહીં મોકલે, ત્યાં અમારી ટીમે સંતોષકારક રીતે સમજાવટ કરી અને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી. હવે આ બાળકો નિયમિત ભણશે તેવી ખાતરી વાલીઓ પાસેથી લેવામાં આવી છે.”
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારે આ ઝુંબેશના ટેકનિકલ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો ડેટા ચેક કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે ટ્રાન્ઝિશન પોઈન્ટ્સ છે, જેમ કે ધોરણ 5 થી 6 માં પ્રવેશ, ધોરણ 8 થી 9 માં પ્રવેશ અને ધોરણ 10 પછી 11 માં પ્રવેશ – આ તબક્કે સૌથી વધુ ડ્રોપઆઉટ જોવા મળે છે. આ સંજોગોમાં જે વિદ્યાર્થીઓએ ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડી દીધી છે, તેમને ‘મેઈન સ્ટ્રીમ’માં પાછા લાવવા માટે પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિશન માત્ર મનપા પૂરતું સીમિત નથી, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર પણ તેમાં ખભેખભા મિલાવીને કામ કરી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સંકલન હેઠળ આખી પ્રક્રિયા ચાલી રહી છે. સી.આર.સી. (CRC), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શિક્ષણ નિરીક્ષક વર્ગ-2 ના અધિકારીઓ સતત ફિલ્ડમાં ફરી રહ્યા છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પોતે વાલીઓના ઘરે જાય છે, ત્યારે તેનો પ્રભાવ પણ વધુ પડે છે અને વાલીઓ બાળકના ભવિષ્ય પ્રત્યે જાગૃત બને છે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે આગામી થોડા વર્ષોમાં ગુજરાતનો સાક્ષરતા દર 100 ટકા સુધી પહોંચે. સુરતમાં થઈ રહેલી આ કામગીરી અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે. જે રીતે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ડ્રોપઆઉટ બાળકોને ટ્રેક કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે રીતે માનવીય અભિગમ સાથે સમજાવટ કરવામાં આવી છે, તેનાથી શિક્ષણ સ્તરમાં મોટો સુધારો આવવાની શક્યતા છે. આ ઝુંબેશથી માત્ર એડમિશનની સંખ્યા જ નહીં વધે, પણ સાક્ષરતાના ગુણાત્મક પાસાઓ પણ મજબૂત થશે.