હવે ડુંગળીના ભાવ ગૃહિણીઓની આંખમાં લાવશે પાણી! સાત દિવસમાં જ ભાવ થયા ડબલ

By: nationgujarat
28 Oct, 2023

ડુંગળી ડુંગળી આમ તો તીખી કહેવાય પરંતુ હાલ આ તીખી ડુંગળીનો સ્વાદ ફીકો પડી રહ્યો છે. તેનું કારણ છે ડુંગળીમાં થયેલો ભાવ વધારો. એ પણ બમણો ભાવ વધારો. એક સપ્તાહ પહેલા રીટેઈલ બજારમાં 40 રૂપિયે કિલો મળતી ડુંગળી હાલ 80 રૂપિયે કિલો મળી રહી છે. જેના કારણે લોકોએ ડુંગળી ખરીદી પર કાપ મુક્યો છે. માત્ર ડુંગળી જ નહીં પરંતુ કેટલાક શાકભાજીના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીના બજેટ પર અને રસોડા પર સીધી અસર પડી છે.

હાલમાં ભાવ જોતા જાણે કે હવે ડુંગળીના ભાવ ગૃહિણીઓના આંખમાં પાણી લાવી દેશે. ડુંગળીનો ભાવ જે ઝડપે વધી રહ્યો છે. એ જોતા હવે ડુંગળી સદી વટાવે તો નવાઈ નહીં.

શાકભાજીના ભાવમાં વધારો

જમાલપુર રિટેઇલ બજારના શાકભાજીના વેપારીની વાત માનીએ તો હાલમાં મોટાભાગના શાકભાજી 100 રૂપિયે આસપાસ મળી રહ્યા છે. જોકે વટાણા 200 રૂપિયા, સરગવો જે પહેલાં 100 રૂપિયા મળતો તે હાલ 140 થી 160 કિલો મળી રહ્યો છે. ટામેટા જે 20 રૂપિયા મળતા હતા, તે હાલ 40 રૂપિયા મળી રહ્યા છે. આદુ જે 100 રૂપિયા મળતું તે હાલ 120 થી 140 રૂપિયા મળી રહ્યું છે. ડુંગળી તો 40 રૂપિયા મળતી હતી તે હાલ 80 રૂપિયે કિલો બજારમાં મળી રહી છે.

હોલસેલ બજાર કરતા રિટેઈલ બજારમાં ડુંગળીમાં 20 થી 40 રૂપિયાનો ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. તેમાં પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ ચાલી રહ્યા છે. આ ભાવ વધારા પાછળ વેપારીઓના મતે ડુંગળી અને ટમેટા કે જે હાલ નાશિક થી આવી રહ્યા છે તે વિદેશમાં મોકલવામાં આવતા હોવાના કારણે આવક ઘટી અને ભાવ વધારો નોંધાયો છે.

હજુ વધી શકે છે ભાવ!

વેપારીઓના મતે હજુ નવો માલ ન આવે ત્યાં સુધી આટલો જ ભાવ અથવા તો આનાથી પણ વધારે ભાવ નોંધાય તેવી ભીતિ પણ વ્યક્ત કરી છે. જે નવો માલ આવતા હજુ એક મહિનાનો સમય લાગશે તેવું પણ ડુંગળીના વેપારીએ જણાવ્યું. એટલે કે હજુ એક મહિના સુધી લોકોએ ડુંગળીનો ભાવ ઘટવાની રાહ જોવી પડશે. ત્યાં સુધી લોકોએ મોંઘા ભાવે ડુંગળી ખરીદવી પડશે.


Related Posts