હર્ષ સંઘવીની મોટી જાહેરાત,મારી ભલામણ હશે તો પણ RTO માંથી લાયસન્સ નહીં મળે!

By: Nation Gujarat Team
09 Jul, 2026

AI Driving License Test: અમદાવાદ (Ahmedabad) RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) ઇસ્યુ કરવામાં આવશે નહીં.

એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ સંઘવીની ભલામણ’ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે! હવે માત્ર અને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિસ્ટમ જેને પાસ કરશે, તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. વાહન ચલાવતા આવડતું હશે તો જ નાગરિકો લાયસન્સ મેળવી શકશે, જેનાથી રોડ સેફ્ટી વધુ મજબૂત બનશે.

રૂ. 62 કરોડના ખર્ચે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

અમદાવાદ શહેરના વાહનચાલકો માટે આ નવનિર્મિત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO Office) ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. રૂ. 62 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય અને અદ્યતન ભવનના કારણે જૂની કચેરીની સરખામણીએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ આધુનિક કચેરી કાર્યરત થતાં જ હવે હજારો અરજદારોને રોજિંદી હાલાકી અને એજન્ટોના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળશે.

સર્વર ડાઉનની સમસ્યા ભૂતકાળ બનશે

RTO કચેરીઓમાં સામાન્ય રીતે જોવા મળતી સર્વર ડાઉન (Server Down) થવાની કે ઓનલાઇન કામ અટકી જવાની સમસ્યાઓ હવે આ નવા ભવનમાં નહિવત થઈ જશે. અહીં અત્યાધુનિક ડિજિટલ નેટવર્ક સિસ્ટમ સેટ કરવામાં આવી છે, જેથી નાગરિકોના ડિજિટલ કામો કોઈપણ અડચણ વગર મિનિટોમાં પૂરા થઈ શકે. આ નવી ટેકનોલોજીના કારણે કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ જનતાને કાયમી છૂટકારો મળશે.

સેન્ટ્રલ એસી ડોમ અને પ્રીમિયમ સેટિંગ

કચેરીમાં આવતા અરજદારોની સુવિધા માટે પ્રવેશદ્વાર પર જ એક વિશાળ અને આધુનિક સેન્ટ્રલ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગરમી કે પ્રતિકૂળ હવામાનમાં પણ લોકો અહીં આરામથી બેસી શકશે. આ ઉપરાંત, જે નાગરિકો ઝડપી સેવા ઈચ્છે છે તેમના માટે ખાસ ‘પ્રીમિયમ સેટિંગ વ્યવસ્થા’ ઊભી કરવામાં આવી છે. આ આખી વ્યવસ્થા સરકારી કચેરીને કોર્પોરેટ લુક અને સુવિધા પ્રદાન કરે છે.


Related Posts

Load more